કોરોનાકાળ બાદ માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી તકલીફો એક નવી ચેલેન્જ છે, આજકાલ અપને આત્મહત્યા ના કિસ્સા રોજબરોજ સાંભળી રહ્યા છીએ. પણ અત્યારની પરિસ્થિતિઓ અસામાન્ય છે , આ પહેલા પણ આત્મહત્યાનો સિલસિલો જારી હતો અને ચિંતાજનક સપાટીએ હતો.ખેડૂતોની આત્મહત્યા , આર્થિકભારણનાં કારણે આત્મહત્યા પણ સૌથી ચિંતાજનક જે વાત છે તે છે યુવા અને ટીનેજ વિદ્યાર્થીઓની આત્મહત્યા.
વર્ષ 2018 માં NCRB ના એક રિપોર્ટ પ્રમાણે 10000 વિદ્યાર્થીઓએ એક વર્ષમાં આત્મહત્યા કર્યું હોવાનું જણાવાયું છે, જે આખા દશકામાં સૌથી મોટો આંકડો છે. તેનો અર્થ એ છે કે દર 24 કલાકે સરેરાશ 28 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. આખા દેશમાં આત્મહત્યા નો આંકડો 1.30 લાખ નોંધાયો હતો. આ જ વર્ષે ગુજરાતમાં 7793 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું.
તો એવા શું કારણો હોઈ શકે કે ભર યુવાની માં કોઈને જીવવાની નહી પણ મારવાની ઈચ્છા થાય ? આ લેખમાં એવા એક થી વધુ મુદ્દાઓ તરફ ધ્યાન દોરીશુ
1) અપેક્ષા
અપેક્ષાઓ નો બોજ સ્વતઃ થી હોય કે શિક્ષકો , માબાપ , મિત્રો સમાજ તરફથી હોય જયારે એક યુવા વિદ્યાર્થી તે પુરી કરી શકતો નથી ત્યારે તેને હારી ગયા ની લાગણી થાય છે , અપરાધભાવ થાય છે, તે જીવન માં કઈ નહી કરી શકે એવી હીનતા આવી જાય છે. તેમજ જે બાળકો ને માબાપ તરફથી પહા રીક્ષામાં સારા માર્ક્સ લાવવાનું કે સારું પર્ફોર્મ કરવાનું પ્રેશર હોય છે તે ઘણી વાર માબાપના ડર થી પણ આ રીતનું પગલું ઉઠાવે છે. પણ શું કોઈ માંબાપ એવું ઈચ્છે ?

2)સ્પર્ધા /કોમ્પિટિશન
આજના યુગમાં સતત સારું પર્ફોર્મ કરવાની જે ઘેલછા છે તે વિદ્યાર્થીને હરાવી દે છે , થકવી દે છે. પછી એ પરીક્ષામાં સારા માર્ક્સ હોય , સોશ્યિલ મીડિયામાં ફોલવર્સ હોય , મિત્રોની સંખ્યા હોય કે આકર્ષક પર્સનાલિટી માટેની હોડ હોય.જયારે ટીનએજ બાળકો આ સ્પર્ધામાં હારવા લાગે છે ડિપ્રેશન તેમને ઘેરી વળે છે અને કોઈ કમજોર ક્ષણો તેને આપઘાત કરવા મજબુર કરી દે છે

3)પીઅર પ્રેશર (peerpressure )
આ શબ્દ છે માત્ર ફેંસી , પણ યુવાનોનું જીવન બરબાદ કરવા માટે તેનો મહાફાળો છે. તેનો સીધો અર્થ છે મિત્રવર્તુળ નું દબાણ. સતત પોતાના ગ્રુપ માં નામ કમાવાની ઈચ્છા ,તેમના જેવી જ લાઇફસ્ટાઇલ રાખવાનું દબાણ , મોજશોખ , સામાન્યજ્ઞાન વગેરે વગેરે. છોકરીઓમાં હંમેશા સ્ટાઈલિશ અને સુંદર દેખાવાની ઘેલછા। ઘણી વાર સામાન્ય બાળકો વધુ પાવરફુલ ગ્રુપ ની મજાકમસ્તી (bullying ) નો શિકાર થઇ જતા હોય છે , તેમની અવગણના પણ થતી હોય છે , નબળા મનમાં યુવા વિદ્યાર્થીઓ આ બધું સહન ના થતા આત્મહત્યા કરી લે છે

4) અપરાધભાવ (GUILT )
ઉપર જે બે મુદ્દાઓ ની ચર્ચા કરી એજ સ્પર્ધા અને દબાણ માં કેટલાક યુવાઓ દારૂ અને નશા જેવી કુટેવો તરફ વળી જાય છે. મોટાભાગે મિત્રો સામે રોફ જમાવવા કે તેમની મશકરીનું કારણ ના બનવા તેઓ કઈ પણ કરતા હોય છે જેમ કે ચોરી કે અન્ય ગુનો કરવો ,નિયમો તોડ્વા, શાળા કે કોલેજ ના જવું , અસામાજિક તત્વો સાથે જોડાવું , છેડતી કરવી વગેરે। મજબૂરીમાં ખોટા કામમાં ફસાઈ ગયેલો યુવા ગૂંગળાઈ જાય છે , ના તો એ ડર ના કારણે કોઈને કહી શકે છે ના તો તેમથી બહાર નીકળી શકે છે , ટીનએજ બાળકોના આવા ઘણા સિક્રેટ્સ હોય છે જે તેમને આખરે આપઘાત તરફ દોરી જાય છે

5) પ્રેમ સંબંધો , દિલ તૂટવું (breakup )
યુવાવસ્થામાં વિજાતીય આકર્ષણ સ્વાભાવિક બાબત છે , ઘણા ખરા છોકરા છોકરીઓ એકબીજા તરફ આકર્ષાય છે , પ્રેમ માં પડે છે પણ કુમળીવયના તરંગોમા એ સબંધ નિભાવી શકતા નથી. ઘણી વાર સબંધો તૂટવાનું દુઃખ જીરવી શકતા નથી, કેટલાક ટીનેજર્સ રિજેક્શન પચાવી શકતા નથી અને લાગણીશીલ થઈને જીવન જ ટૂંકાવી દે છે એ લોકો પ્રેમ ના આવેશમાં ભૂલી જાય છે કે પ્રેમ કરનારા માં બાપ પાર શું વીતશે , બીજા મિત્રો પર શું વીતશે ?

6) અસ્થિર લાગણીઓ (Emotional imbalance )
તરુણાવસ્થામાં આમ પણ શરીરમાં ઘણા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે , લાગણીઓનો એક દાવાનળ ફેલાયેલો હોય છે જેને સાચવવું તેમના માટે ખુબ મુશ્કેલ થઇ જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ ખુબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ ખુશ રહી શકતા નથી , તો કેટલાક માં આત્મવિશ્વાસ નો ભાવ હોય છે તેથી તેઓ મિત્રો બનાવી શકતા નથી. કેટલાક ખુબ નાની નાની વાતો ને દિલ પર લઇ લે છે પરિણામે ડિપ્રેશન નો ભોગ બને છે

7) તૂટેલા પરિવાર (Broken families )
તૂટેલા પરીવારો અથવા જે પરિવાર માં સતત ઝગડા ચાલતા હોય ત્યાં કે માબાપ નો ડિવોર્સ થયો હોય તેવી પરિસ્થતિમાં થી પસાર થયેલા બાળકો ખૂબ સ્ટ્રેસફુલ માનસિક દબાવ અનુભવે છે , તેમનો નિરાશાવાદી અભિગમ હોય છે , જીવન તેમને બોજ લાગતું હોય છે , જો ઘરમાં તેમની જવાબદારી કે જરૂરિયાત બાબતે કંકાસ થયો હોય તો તેમને પોતે જ દુઃખનું કારણ ની ભાવના જાગે છે અને તેઓ કંટાળીને એવું પગલું ભરે છે

8) પ્રેમ અને હૂંફ ની ઉણપ
આજના સમયમાં ઘણી વાર માબાપ કામમાં એટલા વ્યસ્ત હોય છે કે બાળકો ને સમય જ આપી શકતા નથી , વિભક્ત કુટુંબ માં બાળકો આખો દિવસ ઘરે એકલા રહેતા હોય છે ,તેથી એમની ગૂંચવણો કે તકલીફો સાંભળનારું કોઈ હોતું નથી , ઘણા ખરા યુવા અને પેરેન્ટ્સ વચ્ચે એવા સબન્ધો પણ હોતા નથી. જરૂરત ના સમયે પ્રેમ , હૂંફ કે સપોર્ટ ના મળતા તેને એકલતા ની લાગણી અનુભવાય છે અને આખરે તે ઉદાસીમાં જીવન ટૂંકાવી દે છે.
