ગુજરાતમાં અષાઢ સુદ તેરસ થી અષાઢ વદ બીજ સુધી પાંચ દિવસ ઉજવાય છે ગૌરી વ્રત , ગૌરી એ દેવી પાર્વતી નું જ નામ છે , પાંચ વર્ષની ઉંમરથી નાની નાની બાળાઓ ગૌરી માં નું પૂજન કરીને પાંચ દિવસ અલૂણાં (મીઠા વગરનું) વ્રત રાખતી હોય છે , આ વ્રત દીકરીઓ સારા વર ની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે ,મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે જેમાં તે શિવપાર્વતી ની આરાધના કરે છે અને અખંડ સૌભાગ્ય ની કામના કરે છે
ગૌરી વ્રત/જયાપાર્વતી વ્રત ની પાછળ આધ્યાત્મિક કહાની તો એટલી જ છે કે એક શિવ પાર્વતી ના ખુબ શ્રદ્ધાળુ ભક્ત દંપતી એકવાર જંગલમાં શિવલિંગ ની પૂજા કરવા ગયા હતા જેથી ઈશ્વર પ્રસન્ન થઈને તમને બાળક આપે , ત્યારે તે બ્રાહ્મણ પુરુષ ને સાંપ કરડી જાય છે અને તે બેહોશ થઇ જાય છે , તેનો જીવ જતો જોઈ બ્રાહ્મણ પત્ની શિવાજી ની ખુબ પ્રાર્થના કરે છે તેની ભક્તિ અને આસ્થા જોઈ મહાદેવ તેના પતિને જીવિત કરી દે છે અને પછી બંને પતિ પત્ની જંગલમાં રહેલા શિવલિંગ નું પૂજન કરે છે અને તેમને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. વળી ગૌરી દેવી ના વ્રત એમની જેમ શિવજી ને પામવા માટે કરેલા વ્રત રૂપે પણ જોવામાં આવે છે.

પણ ગૌરી વ્રત નું સાંસ્કૃતિક મહત્વ અધ્યાત્મિક કરતા સાંસ્કૃતિક વધારે છે , ગુજરાતના લોકજીવેન માં ઘડાઈ ગયેલો આ તહેવાર તેનું સામાજિક રૂપે આગવું મહત્વ છે , આ વ્રત નાની બાળકીઓ 5 કે 7 કે 9 વર્ષ માટે ઉત્સાહ પૂર્વક કરતી હોય છે, દરેક માતા પોતાની નાની નાની ઢીંગલીઓ ને સાક્ષાત ગૌરી ની જેમ તૈયાર કરે છે , પૂજા અર્ચના કરાવડાવે છે , પાંચ દિવસઃ સંયમ રાખીને પોતે લીધેલું વ્રત ક્યારેય તૂટવું ના જોઈએ તે શીખવે છે. આ પાંચ દિવસ નો તહેવાર દરેક ઘરોમાં દીકરીના અસ્તિત્વની ઉજવણી સમાન હોય છે , આ વ્રત દીકરીઓમાં એક સ્ત્રી તરીકે જન્મ્યા હોવાના શુભ એહસાસ ની સાથે સાથે એમનામાં તપ , સંયમ , શણગાર , ભક્તિ અને સમર્પણ ની ભાવના જગાવે છે , પોતાની નારીશક્તિ નો સ્વતઃ એહસાસ કરે છે , નાની બાળાઓને અલબત્ત આ દિવસોમાં મળતા નવા કપડાં , નવા પકવાન કે સખીઓ સાથે ફરવા જવું અને પરિવાર તરફથી મળતા વધુ લાડકોડ નું આકર્ષણ વધુ હોય છે પણ પાંચ દિવસના વ્રત માં તેમનામાં આપોઆપ સઁસ્કાર સિંચન થઇ જાય છે.
આ વ્રત સમાજમાં દરેક વર્ગના લોકો કરતા હોવાથી એક ભાવનાત્મક જોડાણ ઉભું કરે છે , વ્રત માં સ્ત્રીઓ સાંજ શણગાર કરે છે , મહેંદી મૂકે છે , જે અલગ અલગ વ્યવસાય ના લોકો માટે પણ ઉત્સહ લાવનારો તહેવાર બની જાય છે , ગુજરાતમાં ઘણા ગામડાઓ અને શહેરોમાં મહેંદી સાથે સંકળાયેલી મુસ્લિમ યુવતીઓ જ બધી બાળકીઓ અને સ્ત્રીઓને શુકનવંતી મેહંદી લગાવે છે જે એક કોમી એકતાનું વાતાવરણ સર્જે છે.બાળકીઓ સાથે મળીને પૂજા કરે ફરવા જાય જાગરણ કરે જે સમાજમાં સ્ત્રીના માસુમ ,સુંદર આલ્હાદક અસ્તિત્વ ના ઉત્સવ થી સમયને પ્રફુલ્લિત કરી દેતું હોય છે , વ્રત કરનારી યોગીની બાળાઓ , બેહનો પ્રત્યે બાળપણથી જ ઘરના દીકરાઓ માં સન્માન ઉભું થાય છે , સ્ત્રી એટલે દેવી નુંરૂપ અને તેની ધૈર્ય અને મક્કમ શક્તિ ના પરીચય સહુ કોઈને થાય છે , સાથે મળીને વ્રત ઉપવસ કરતી માં દીકરી , બેહનો ,નંદભાભી સહુ વચ્ચે પ્રેમ નો એક ધાગો બંધાય છે. ગૌરી વ્રત ઈશ્વર અને આપણી સંસ્કૃતિમાં એક અતૂટ આસ્થા અને શ્રદ્દધા પીઢી દર પીઢી સ્થાપિત કરે છે. વ્રતથી સારો વર મળતો હોય કે ન હોય તેની સાર્થકતા માં પડ્યા વગર દરેક માતા તેની નાનકડી દીકરીના સુંદર ભવિષ્ય ની આશા સાથે તેના બાળ મન માં વિશ્વાસ અને પરમ્પરા ના સંસ્કાર નું જતન કરે છે , એજ ભાવના આપણી સાંસ્કૃતિક ધરોહર ને સમૃદ્ધ બનાવે છે.

ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્ર માં માટીમાં જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે, જે કુદરત ને, અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે , તેમજ ચોમાસાની ઋતુ માં જવારા માંથી ઉગતા ગોરો નાની બાળાઓ માં કૌતક પણ સર્જે છે તે બીજ માંથી વૃક્ષ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને તેની પૂજા આ પ્રક્રિયા માટે સન્માન ઉભું કરે છે
હિન્દૂ ધર્મના દરેક તહેવારો આ રીતે ધાર્મિક ની સાથે સામાજિક અને વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલા હોય છે અને દરેક રીતિરિવાજ નો એકમેવ હેતુ મનુષ્યને તેના ઉદગમ એવી ઈશ્વરીય ચેતના સાથે જોડવાનો હોય છે.