લોકડાઉન ની અસરો કોરોના વાઈરસની જેમ નરી આંખે નહીં દેખાવા છતાં ખૂબ ગંભીર છે , ઘણાંખરાં ક્ષેત્રોમાં આપણે અમુક વર્ષો જેટલાં પાછળ પડી ગયા છીએ , 50 દિવસ સુધી કોઈ પણ તંત્ર નું જડબેસલાક બંધ રેહવું એ કેટલું નુકસાનકારી છે એ તો હવે સમય જ બતાવશે પણ આ જે વૈશ્વિક આફત આવી પડી છે તેમાં લડવાનો બીજો કોઈ ઉપાય જડે તેમ ના હતો.હવે આશા સેવાઈ રહી છે કે વર્ષના અંત સુધી તેની રસી મળી જશે.
લોકડાઉન દરમિયાન અને પછી સામાજિક અંતર જાળવવાની જે જરૂરિયાત છે તે માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેવી દરેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી. જેમાં ધાર્મિક સ્થાનો પછી જે માં સૌથી વધુ અસર થઈ એ છે શિક્ષણ કાર્ય. વર્ષો થી હજારો વિદ્યાર્થીઓ એક સંસ્થા માં સાથે ભણતા હોય ,રેહતા હોય એવી એક પ્રણાલી અચાનક બંધ થઈ જતાં ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે. પરીક્ષાઓ અને નવા એડમિશન નો સમયગાળો હોવાથી નિર્ણયો લેવામાં સરકાર ને પણ અવગડ પડી રહી છે. એવામાં શાળાકીય અને કોલેજ ના ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે ઓનલાઇન શિક્ષણ એ ખૂબ મોટી રાહત છે.

ટેકનોલોજી એટલી હદે ક્યારેય વપરાઈ નઈ હોય કદાચ પરિવર્તન આ રીતે જ આવતા હશે, આજે પ્રાથમિક વર્ગો થી લઈને મેડિકલ એન્જીનીયરિંગ જેવી બધીજ વિદ્યાશાખા ઓનલાઇન ક્લાસિસ થી વિદ્યાર્થીઓને ભણાવે છે. જેથી શિક્ષણ કાર્ય સાવ ઠપ નથી થઈ ગયું અને વિદ્યાર્થીઓનો સમય પણ બગડશે નહી.પણ આ વ્યવસ્થા દેખીતી રીતે જેટલી સુઘડ છે એટલી વ્યવહારિક દૃષ્ટિએ જટિલ પણ છે.
સૌ પ્રથમ ઓનલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થી દીઠ સાધનોનો અભાવ: આપણે એમ માની શકીએ છીએ કે આજકાલ સૌ પાસે મોબાઈલ ફોન હોય છે પણ આ એક ધારણા છે. આજે પણ આપણી આસપાસ ધોરણ 10 સુધી બાળકોને વ્યક્તિગત મોબાઈલ આપવામાં આવતો નથી , હવે જો અચાનક ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવે દરેક ઘરના દરેક વિદ્યાર્થી પાસે તેના માટે સાધન હોવું અશક્ય છે. ઘણા ખરા ઘરોમાં લેપટોપ હોય છે પણ ઘરમાં બે બાળકો હોય તો તેઓ એક સાથે કેવી રીતે અભ્યાસ કરે.વળી શાળા કક્ષા ના બાળકો ટેક્નોલોજી થી અજાણ હોય તેમને સતત વાલીઓના આધારે રેહવુ પડે. ઘણા માધ્યમ વર્ગીય પરિવાર માં એક વધારાનું સાધન વસાવવાનો બોજ આવી પડ્યો છે અને તેઓ એમ નહી કરે તો ઘરમાં વિવાદ અને બાળકોના માનસિક તણાવ ની સ્થિતિ ઊભી થાય છે

કોલેજ લેવલે સરકારશ્રી એ મફત ટેબ્લેટ નું વિતરણ કરેલું તે આજે કામ આવશે તેમજ યુવાઓ મોબાઈલ વાપરતા હોય છે પણ ગામડાઓ સુધી ઇન્ટરનેટ ની યોગ્ય સેવા અને દરરોજ ઓનલાઇન ભણવાનું હોવાથી ઇન્ટરનેટ રિચાર્જ માટેનો ખર્ચ અનિવાર્ય છે
ઓનલાઇન શિક્ષણ એક વિડિયો કોલિંગ રીતે કરવામાં આવે જ્યાં શિક્ષક પેહલા જેમ જ ભણાવે અને બાળક જુએ તો એ થોડું સુસંગત છે પણ તેમાં પણ વાતચીત કે પ્રશ્નોત્તરી મુશ્કેલ છે. શાળાના શિસ્ત ભર્યા વાતાવરણ માં ભણવા ટેવાયેલા બાળકો ઓનલાઇન ભણતર માં ધ્યાન કેટલા અંશે આપે તે કહી શકાય નહી. ઓનલાઇન શિક્ષણ માટે ડોક્યુમેન્ટ કે વિડિયો તૈયાર કરીને બતાવી દેવામાં આવતી પદ્ધતિ કોઈ રીતે અસરકારક નથી.
બીજો ખૂબ મહત્વ નો મુદ્દો જે ઘણી સંસ્થાઓ સરકાર ને ચેતવી રહી છે તે છે બાળકો ની આંખો પર અસર થવાની ભીતિ. વિદ્યાર્થી જો દિવસ માં ચાર કલાક વિડિયો કલાસ ભરે તો તેની આંખો અને માનસિક દબાણ બંને પર અસર થઈ શકે છે.
ગામડાઓ માં જ્યાં શિક્ષિત વર્ગ નથી અને સાધન સુવિધા સાથે જાગૃકતા પણ નથી ત્યાં ઓનલાઈન શિક્ષણ પહોંચાડવું મુશ્કેલ છે. માંડ મજૂરી છોડીને શાળાએ જતાં બાળકો હવે ફરી પાછા અભ્યાસ થી દુર થઈને ખેતી કે મજૂરી તરફ વળી શકે છે. ઓનલાઇન શિક્ષણ સમાજના બધા વર્ગો વચ્ચેનો ભેદ સપાટી પર લાવી દેશે જે બીજી સામાજિક સમસ્યાઓ નોતરી શકે તેમ છે.
બંને જણ કામ પર જતા હોય તેવા વાલીઓ માટે વિદ્યાર્થીઓને ઘરમાં સાચવવા અને ભણાવવા અને પૂરતી સુવિધાઓ આપવી એ બધું જ એક ચેલેન્જ સમાન છે. તેમાં પણ આરીતે ઓનલાઇન ભણાવીને શિક્ષણ સંસ્થાઓ તગડી ફી વસૂલી રહી છે. એથી વાલીઓ પર આર્થિક બોજો વધ્યો છે.

આ બધાં મુદ્દાઓ જોતા ઓનલાઇન શિક્ષણ અત્યારની વિકટ સ્થિતિમાં વિદ્યાર્થી અને સમાજના સ્વાસ્થ્ય ના હિત માટે જોઈએ તો એક સારો વિકલ્પ છે પણ તે અસરકારક નથી તેમજ કામચલાઉ છે. હજી આપણી સમાજિક આર્થિક તેમજ સાધન સગવડ ની સ્થિતિ એટલી સક્ષમ નથી કે આપણે શિક્ષણ માટે ટેક્નોલોજી ના પર્યાય પર અવલંબિત રહી શકીએ