ગુજરાતના સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ભારતના મેળાઓ કરતાં જુદી જ ભાત પાડે છે.અરબી સમુદ્ર નું પાદપ્રક્ષાલન કરે છે તેવા ભગવાન સોમનાથના સાનિધ્યમાં પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મંદિરના છેલ્લા નિર્માણ પછી એટલે કે છેલ્લા ૫૮ વર્ષથી અહીં કારતક માસની તેરસ,ચૌદસ અને પૂનમે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો યોજાય છે.
ગુજરાતના પશ્ચિમમાં આવેલા સુંદર અને આકર્ષક સમુદ્રકિનારે સમયના બદલાતા જતા વહેણ સાથે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેકવાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લૂંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ફરી અને ફરી પ્રસ્થાપિત થતું રહ્યું છે. પ્રાગૈતિહાસિક કાળમાં બંધાયેલું આ મંદિર ઐતિહાસિક યુગમાં પણ નિર્માણ પામતુ રહ્યું હોવાનાં પ્રમાણો મળે છે.

– ઈસવીસન 122 માં ભાવ બૃહસ્પતિએ રચેલી ‘સોમનાથ પ્રશસ્તિ’ માં જણાવ્યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે ચંદ્ર એ બનાવ્યું હતું. બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું, શ્રીકૃષ્ણ લાકડાનું અને ભીમદેવે પથ્થરનું બનાવ્યું.આ પ્રાસાદ નાગર શૈલી માં બંધાયેલો છે. નવનિર્મિત સોમનાથ મંદિર માં ગર્ભગૃહ ઉપરાંત સભામંડપ અને નૃત્યમંડપ પણ છે. ભગવાન શિવ નટરાજ એટલે કે નૃત્ય ના રચયિતા આધ્ય પુરુષ ગણવામાં આવે છે. આથી શિવ મંદિરમાં નૃત્ય મંડપ ની રચના ઉચિત ગણાય છે. એક ખાસિયત એ છે કે કાર્તિકી પૂર્ણિમા ની મધ્ય રાત્રીએ આકાશમાં ચંદ્ર અને શિવલીંગ બને એક લીટી માં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી પર ન ઉતર્યા હોય! ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ સોમનાથ નો મેળો શરૂ થાય છે. મેળામાં ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાનોમાં શ્રીકૃષ્ણ ગોલોકધામ ત્રિવેણી સંગમ, પ્રભાસ તીર્થ ભૌગોલિક તીર્થના દર્શન પણ થાય છે. મેળામાં પાંચ દિવસ દરમિયાન પ્રત્યેક દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.આધ્યાત્મિક,સાંસ્કૃતિક પ્રદર્શન, પ્રભાસ તીર્થના ભૂમિગત નકશા સાથે ભૌગોલિક તીર્થ દર્શન, વિભૂતિ દર્શન ગેલેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિશાળ જગ્યામાં રંગ અને લાઈટથી બાવન શક્તિપીઠો અને બાર જ્યોતિર્લિંગો ને પ્રદર્શિત કરવામાં આવી છે.સાથે સાત્વિક મનોરંજન માટે બાળકોને આનંદ પ્રમોદ અને રમત-ગમત માટે નાના-મોટા ઝુલા, જલકુન્ડો, ફુવારા, જલધોધ, નૌકાવિહાર તેમજ ચકડોળ જેવી રાઇડ્સ, ભોજન અને ઉપહાર કેન્દ્રનું નિર્માણ કરવામાં આવે છે. આશરે 20 એકરના ત્રિવેણી ઘાટ ના કાંઠે વિશાળ મેદાનમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે મેળામાં નાટ્ય,સંગીત-સંધ્યા,શિવ અને કૃષ્ણ પર આધારિત ભક્તિ-ભજનો, લોકકથા અને વાર્તાઓ નું આયોજન કરાય છે.ઉપરાંત ભારતની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અસ્મિતાના લોકશિક્ષણનું એક પ્રબળ માધ્યમ બની રહી તે માટેનો પ્રયાસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે અમદાવાદ મધ્યસ્થ જેલ ના કેદી બંધુઓ દ્વારા તૈયાર કરાયેલ હાથ વણાટની ચીજવસ્તુઓ અને કલાકૃતિઓ તથા જોઈએ ઉત્પાદિત અન્ય ચીજવસ્તુઓનું વેચાણ અહીં કરવામાં આવે છે.

અરબી સમુદ્રના ઉછળતા મોજાં, દેવાધિદેવ ભગવાન સોમેશ્વર નું સાનિધ્ય અને અનુપમ દેહલાલિત્ય નો નજારો આ લોકપર્વમાં આવતા લોકોને માણવા મળે છે. ઉપરાંત સોમનાથ ની આજુબાજુ એશિયાટિક લાયનને નિહાળવા શ્રેષ્ઠ સાસણગીર તથા ગીર અભયારણ્ય નજીક છે. આ લોકમેળો ભક્તિ, શક્તિ અને શ્રદ્ધા નો ત્રિવેણી સંગમ છે.
*આધાર : ગુજરાતના લોકઉત્સવો અને મેળાઓ પુસ્તક