ભાવનગર જિલ્લાના કોળિયાક માં ભાદરવી અમાસનો મેળો દરિયાકિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે.આજુબાજુના ગામડાઓમાંથી આવતા અસંખ્ય લોકસમુદાયમાં મુખ્યત્વે કોળી પ્રજા વિશેષ જોવા મળે છે.

ભાદરવા મહિનાની અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહાત્મ્ય અલૌકીક છે.મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવો નું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતાજી પાસે ગયા હતા. કુંતામાતા સમગ્ર હકીકત જાણીને બોલ્યા કે “હવે તમે હિમાળો ગાળો ” અર્થાત હવે હિમાલયમાં સમાધિષ્ટ થાઓ. માતાની આજ્ઞા પ્રમાણે પાંડવો હિમાલય પહોંચ્યા. પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તેઓને કુળ બંધુઓનો નાશ કરનાર પાપી ગણ્યા. એથી હિમાલયે તેઓને સમાવવાની ના પાડી. પાંડવો એ હિમાલય પાસેથી બીજે ક્યાં જવું ? તેનો રસ્તો માંગ્યો.
પર્વતાધિરાજ હિમાલયની આજ્ઞાથી પાંડવો પોતાના પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈ ચાલી નીકળ્યા. હિમાલયના જણાવ્યા પ્રમાણે જ્યાં આ ધજા સફેદ થઈ જાય ત્યાં તેઓના પાપો નો નાશ થયો એમ સમજવું.પાંડવો ભ્રમણ કરતાં-કરતાં ભાવનગર પાસેના હાથક પાસે પહોંચ્યા ત્યારે અડધી ઘ્વજા સફેદ થઈ ગઈ.પાંડવો સમજી ગયા કે તેઓ યોગ્ય સ્થળે પહોંચ્યા છે.ત્યાંથી તેઓ આગળ કોળીયાક પાસે પહોંચ્યા જ્યાં અમાસ હોવાથી દરિયો દૂર જતો રહ્યો હતો. ત્યાં પહોંચતાં જ આખી ધ્વજા સફેદ થઈ ગઈ.પાંડવોએ ત્યારે દરિયામાં અઢીથી ત્રણ કિલોમીટર ચાલીને નિષ્કલંક મહાદેવ ને સ્થાપિત કરી. તેમની પૂજા કરી નિષ્કલંક થયા. ત્યાં આજે પણ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ હયાત છે. જ્યાં આજે પણ ભાવનગરના મહારાજશ્રીના હાથે પૂજન થયેલી સફેદ ધજા ચડે છે. મંદિર ઉપર ધજા ચડાવવા માટે વહેલી સવારે દરિયામાં હોડીમાં બેસીને જવું પડે છે.સવારે નવ વાગ્યા પછી દરિયામાં ઓટ આવતા બે-ત્રણ કલાક માટે દરિયો મંદિર સુધી જવા નો રસ્તો કરી આપે છે. આ દિવસ દરમિયાન બે વાર આ રીતે દર્શન થઈ શકે છે.


કોળીયાક મા રુષિપાચમે પણ નહાવાનું ખુબ મહાત્મ્ય છે ઓટના સમય દરિયામાં ચાલી સ્નાન કરી દરિયા વચ્ચે રહેલા નકળંગ મહાદેવ ને ધૂપ, દીપ અને શ્રી ફળ ચઢાવી પૂજા કરતો માનવ મહેરામણ આખો દિવસ દરિયા કિનારે જ રહે છે. ભાદરવો મહિનો પિતૃ નો મહિનો હોવાથી આ મેળામાં સાધુ-સંતો અને ભુવા પણ હોય છે. મંત્ર તંત્ર અને ડાકલા ના અવાજો પણ સાંભળવા મળે છે. ગુજરાતભરમાંથી અને બહારથી પણ લોકો શ્રદ્ધાપૂર્વક અહીં નકળંગ મહાદેવના દર્શનાર્થે આવે છે. આ રીતે નકળંગ મેળાનો રંગ બીજા મેળાઓ કરતા અલગ છે.
આધાર : ગુજરાતના લોકઉત્સવો અને મેળાઓ પુસ્તક