ગુજરાતની અંદર વસેલું એક અલગ ગુજરાત એટલે કચ્છ. કચ્છના સંસ્કૃતિ કલા અને રિવાજો બધાથી અનોખા છે. ભારતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં મુખ્ય ૧૨ મેળા વર્ષ દરમિયાન યોજાય છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં શીતળા સાતમ નો મેળો, હાજીપીર બન્ની નો ચૈત્ર માસના પ્રથમ સોમવાર નો મેળો, ઘ્રન્ગમાં મહા વદ ચૌદસના દિવસે યોજાતો દાદા મેકરણ નો મેળો, કાકડભીત માં ભાદરવા સુદ 15 નો મેળો, અમારાં ખાતે ચૈત્ર માસના પ્રથમ સોમવાર નો પીર નો મેળો, માંડવીમાં જન્માષ્ટમીએ યોજાતી રાવડીની રથયાત્રા, તલાવણ મા યોજાતો રુકસાનપીર નો મેળો, માંડવીમાં ચૈત્ર વદ તેરસના શીતળા માતા નો મેળો, અંજારમાં શ્રાવણ વદ પૂનમનો દાબડાનો મેળો, પાટિયા ખાતે ભાદરવા વદ ચૌદસ દિવસ થી સુદ એકમ સુધીનો કુબેર નો મેળો, અંજારમાં ચૈત્ર સુદ ચૌદસ ૧૫નો જેસલ તોરલ મેળો અને રાપરમાં ભાદરવા સુદ આઠમને યોજાતો રવેચી માતા ના મેળા નો સમાવેશ થાય છે. ગુજરાતમાં ઊજવાતા મેળાઓ કચ્છમાં ઉજવાતા મેળાનો માહોલ વિશેષ પરંપરાગત હોય છે.
ભુજ થી માત્ર ચાલીસ કિલોમીટર દૂર આવેલા ઘ્રન્ગમાં મહાશિવરાત્રિએ ભરાતો મેળો દાદા મેકરણ ના સમાધી સ્થળે ભરાય છે. આશરો ઇસ.1720 માં જન્મેલા મેકરણ દાદાએ માનવતાની સેવા કાજે કચ્છના ઘ્રન્ગ ગામમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો.કચ્છના અફાટ રણની રંગભૂમિ પર કાળનો કોળિયો બની ગયેલા માનવી અને મૂંગા પશુઓની ચીસોએ મેકરણ દાદા ને અહીં જ વસી જવા રોક્યા. તે ઘડી ધ્રાંગની ધરતી માટે ધન્ય બની ગઈ. જીવનભર જગાવેલી અલખની આહલેખ અને સેવાની ધૂણીએ આ ખારા પાટ પર અકાળે મોતને ભેટતા જીવો ને બચાવીને અમર ઇતિહાસ સર્જ્યો. કહેવાય છે કે મેકરણ દાદા પાસે એક મોતીયો નામનો કૂતરો અને લાલિયો નામ નો ગધેડો હતો તેની મદદથી તેઓ રણમાં ભૂલા પડેલા વટેમાર્ગને સાચો માર્ગ બતાવી પાણી પૂરા પાડી માનવ સેવા કરતા હતા. તેમના સાદગીભર્યા જીવન અને ઉચ્ચ વિચારોના કારણે લોકહૃદયમાં સ્થાન પામ્યા. તેમણે તેમના જીવન દરમ્યાન એવા શ્રેષ્ઠ કર્મ કર્યા હતા કે આવનારી પેઢી વર્ષોના વર્ષો તમને યાદ રાખે. કચ્છ ની આહીર જાતિ તો તેમને પોતાના ભગવાન જ માને છે.

ભરત ભરેલા ઘાટા કાળા,લાલ,લીલા કપડા અને આભૂષણોમાં શોભતી રબારી અને આહીર સ્ત્રીઓ, ભરત ભરેલી ટોપીમાં માતા સાથે મળતું બાળક અને કેડિયા ચોલી પાઘડીમાં દિવસ આખું હિલોળા લેતા પુરુષો કચ્છ મેકરણ દાદા ની સમાધીએ માથું ટેકવે છે. બપોરથી સાંજ સુધી મંદિરના ચોગાનમાં ભજન ની રમઝટ જામે છે.

આવો જ પ્રખ્યાત મેળાઓ કચ્છના રાપર ગામ રવેચી માતાના મંદિરે ભરાતો રવેચીનો મેળો છે. ભાદરવા સુદ સાતમ આઠમ ભરાતો મેળો ધર્મ અને આનંદનો સુમેળ છે. રવેચી ના મેળે આહિરો, રબારીઓ અને પટેલો પરંપરાગત અને મનમોહક પહેરવેશ અને આભૂષણોમાં સજજ થઇને આવી છે. આ મેળામાં રબારી કોમની દીકરીઓ ચાંદી, પારા, મોતી નાં આભૂષણોમાં આકર્ષક લાગે છે . આ દીકરીઓએ કીડીયા મોતીનું પહેરેલું ઘરેણું ભલભલાના મન મોહી લે તેવું હોય છે.

રવેચી નો મેળો એ કચ્છનું તળપદી તોરણ છે તો માંડવી ખાતે યોજાતો રવાડીનો મેળો કચ્છી ગ્રામ્ય સંસ્કૃતિ નો અરીસો છે. જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ નોમ અને દશમ ના દિવસે ખાસ રથયાત્રા નીકળે છે, જેને કહે છે ભગવાને જન્મ લીધા બાદ બીજે દિવસે સ્નાન કરવા નીકળે છે એવો ભાવ એમાં સચવાય છે. યાત્રા ના અંતે મોટા બાલઃકૃષ્ણની મૂર્તિ બિરાજમાન હોય છે. વર્ષો પહેલા માત્ર નોમ ના જ રવાડી નીકળતી હતી ત્યાર બાદ દશમે ખારવાની પણ રવાડી નીકળતી થઈ.જે દશમના રોજ નીકળે છે તેને ખારવાની રવાડી કહે છે. આ દિને કરછભરમાં માણસોના રવાડીમાં ચાલવા આવે છે. અગાઉની બંને રવાડીમાં કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થતાં. અંગકસરત ના વિવિધ ખેલો, અખાડાઓ રવાડી માં રહેતા, રંગબેરંગી વેશભૂષા યુક્ત યુવાનો દાંડિયા રાસ લેતા, તલવારના દાવપેચ, નિશાનબાજી, લાઠીદાવ વગેરે જોવા માણસો ઉમટી પડતા. ઢોલીડા ઢોલ વગાડતા.રવાડીના સંપૂર્ણ દર્શન વખતે પાંચથી છ કલાકનો સમય લાગતો. કચ્છની અનોખી સંસ્કૃતિના અનોખા રીતરિવાજો પ્રવાસીઓ માટે જીવનનો નૂતન અનુભવનો લ્હાવો લેવા સર્જાયા હોય તેમ લાગે.
