કોરાખટ કચ્છમાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કેવી રીતે કરી રહ્યા છે?

પરંપરાગત રીતે તો અમે કપાસ અને મગફળીનું જ વાવેતર કરતા હતા, પરંતુ ભૂગર્ભજળમાં ટીડીએસનું પ્રમાણ એટલું વધી ગયું કે આ પાક માટે પાણી માફક રહ્યું નહીં.”

“જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું તો નિષ્ણાતોએ સલાહ આપી કે તમે ખારેક કે દાડમના પાક તરફ વળો.”

“10 વર્ષ અગાઉ અમે જોખમ લીધું. શરૂઆતમાં પાંચ એકરમાં ઇઝરાયલી ટેકનૉલૉજીની મદદથી ખારેક વાવી અને પાંચ વર્ષમાં જ અમને સફળતા મળી ગઈ. આજે અમારા વિસ્તારમાં લગભગ 500 હેક્ટરમાં ખારેકનું વાવેતર હશે.”

માંડવી તાલુકાના જનકપુર ગામના યુવાન ખેડૂત વિવેક ધોળુ આ શબ્દોમાં અહીંની બાગાયતી ખેતીનું ચિત્ર રજૂ કરે છે.

ઍગ્રિકલ્ચર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી ખેતીમાં પ્રયોગ કરનારા વિવેકને ત્રણ વર્ષ પહેલાં ખારેકનો પહેલો ફાલ મળ્યો.

તેમના જેવા બીજા સેંકડો ખેડૂતો કચ્છના જુદાજુદા વિસ્તારોમાં પોતાની ક્ષમતા અને આવડત પ્રમાણે બાગાયતી ખેતી કરી રહ્યા છે.

સૂકાભટ કચ્છમાં આજે 58,000 હેક્ટરમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ, ચીકુ, નાળિયર, જામફળ, જાંબુ, બોર સહિતના પાક લેવાય છે અને લાખો રૂપિયા રળાય છે.

અમુક ખેડૂતો લિચી, સ્ટ્રોબૅરી અને કૅલિફોર્નિયન બદામમાં પણ પ્રયોગ કરી રહ્યા છે.

ચોક્કસ પાકને માફક આવતા કચ્છના હવામાન, પાણી ઉપરાંત જોખમ લેવાની તૈયારી, યોગ્ય માર્ગદર્શન અને તાલીમ દ્વારા આ સિદ્ધિ મેળવી શકાઈ છે.

વિવેક કહે છે કે વાવેતરની શરૂઆત કરતી વખતે રોપા માટે 50 ટકા સુધી સરકારી સબસિડી મળી હતી, પરંતુ માર્ગ આસાન ન હતો.

તેઓ કહે છે, “તે સમયે ખારેકના રોપાનો ભાવ 2,500 રૂપિયા ચાલતો હતો જે આજે 3,800ની આસપાસ ચાલે છે. અમારે જોખમ લેવું પડે તેમ હતું કારણ કે રોકડિયા પાકનું વાવેતર બંધ કરીને અમે ઇન્વેસ્ટમૅન્ટ કરી રહ્યા હતા અને ત્યાર પછી ત્રણ વર્ષ સુધી બેસી રહેવું પડ્યું. તાજેતરમાં અમે છઠ્ઠો ફાલ ઉતાર્યો છે.”

વિયેતનામનું ડ્રેગન કચ્છમાં ખિલ્યું

ડ્રેગનફ્રૂટ

ગાંધીધામ નજીક મીઠી રોહરમાં યુવા ખેડૂત મયંક સંઘવીએ ડ્રૅગન ફ્રૂટના વાવેતરમાં જ્વલંત સફળતા મેળવી છે.

તેઓ કહે છે, “ડ્રેગન ફ્રૂટ ભારતમાં આયાત કરવું પડતું હતું અને તેના ભાવ ઘણા ઊંચા હતા તેથી અમને કચ્છમાં જ આ ફ્રૂટની ખેતી કરવાનો વિચાર આવ્યો. 2014માં અમે તેની શરૂઆત કરી ત્યારે ભારતમાં દર વર્ષે લગભગ 25,000 ટન ડ્રેગન ફ્રૂટની આયાત થતી હતી.”

ડ્રેગન ફ્રૂટ મુખ્યત્વે શ્રીલંકા અને વિયેતનામમાં થાય છે.

દુબઈથી માર્કેટિંગમાં એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ સ્વદેશ આવેલા મયંક સંઘવીને ડ્રેગન ફ્રૂટ ઉગાડવામાં 14 મહિનામાં સફળતા મળી અને 2015માં તેઓ પ્રથમ પાક લઈ શક્યા.

આ માટે તેમણે મોટા ભાગની માહિતી ગૂગલ પરથી સર્ચ કરીને અને વિયેતનામ સ્થિત કેટલાક મિત્રો પાસેથી મેળવી હતી.

તેમણે 20 એકરથી શરૂઆત કરી હતી અને આજે 40 એકર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરે છે. સામાન્ય રીતે તેનો બજાર ભાવ 250થી 300 રૂપિયાની આસપાસ હોય પરંતુ ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયામાં પ્લેલેટ કાઉન્ટ ઘટી જાય ત્યારે આ ફળ પ્લેલેટ કાઉન્ટ વધારવામાં અસરકારક હોવાથી અત્યારે રોગચાળાના સમયમાં ડ્રેગન ફ્રૂટનો ભાવ રૂપિયા 500 સુધી પહોંચી ગયો છે.

તેઓ કહે છે, “શરૂઆતમાં અમે ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ વિદેશથી આયાત કરાવતા હતા. આ ફળના રોપા તૈયાર કરવાની ત્રણ મહિનાની પ્રોસેસ હોય છે ત્યાર પછી બીજમાંથી મૂળ વિકસે અને રોપાં તૈયાર થતાં હોય છે. અમે લગભગ પોણા બે કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને માત્ર ત્રણ વર્ષમાં તેનું વળતર મળી ગયું છે. આજે અમે ડ્રેગન ફ્રૂટના રોપાનું વેચાણ પણ કરીએ છીએ.”

ખેતી એ સરળ કામ નથી અને તેમાં પણ બાગાયતી ખેતી પુષ્કળ મહેનત તથા રોકાણ માંગી લે છે.

વિવેક ધોળુ કહે છે કે, “ખારેકમાં ફ્લાવરિંગના સમયે પાંચ મહિના ખાસ ધ્યાન આપવું પડે છે. સવારે પાંચ વાગ્યે ઊઠીને મેલ અને ફીમેલ ઝાડનું પૉલિનેશન કરવું પડે. તેનાથી મોડું થાય તો મધમાખીઓ તેને ચૂસી જાય. મેલ પરાગરજ એકત્ર કરીને ફિમેલ ઝાડ પર પૉલિનેશન માટે સ્પ્રે કરાવવો પડે છે.”

ખારેકનું ઝાડ 10 વર્ષનું થાય ત્યારે પુખ્ત થયું કહેવાય અને ત્યારે તે ઝાડ 250થી 300 કિલો ફળ આપી શકે છે. ખારેકના ઝાડનું આયુષ્ય લગભગ 60 વર્ષ હોય છે.

ખારેકની બાગાયતી ખેતીની શરૂઆત કરતી વખતે તેમણે એક વિશેષ કેન્દ્રમાં જઈને 10 મહિના પ્રેક્ટિકલ તાલીમ લીધી હતી.

તેઓ કહે છે, “અત્યારે અમે નાળિયેર પર ધ્યાન આપવા માગીએ છીએ. કચ્છમાં જે વિસ્તારમાં 1000થી ઓછો ટીડીએસ હોય ત્યાં કેળાં અને પપૈયાંના પાક લઈ શકાય.”

ઓર્ગેનિક ખેતીના સફળ પ્રયોગ

કચ્છમાં ખેતી

કચ્છમાં ગઢશીશા અને ખેડોઈ (અંજાર) વિસ્તારમાં કેસર કેરીનો સારો પાક ઊતરે છે. નખત્રાણા તાલુકામાં કોટડા (રોહા) ગામ પાસેના ખેડૂત માલિક હરિસિંહ જાડેજાનો પરિવાર વર્ષોથી પરંપરાગત રીતે બાગાયતી ખેતી કરતો હતો, પરંતુ ત્રણ વર્ષ અગાઉ 2017માં હરિસિંહે કંઈક અલગ કરવાનું વિચાર્યું અને તેમણે સંપૂર્ણ સજીવ ખેતી શરૂ કરી જે માત્ર ગૌશક્તિ આધારિત છે.

તેઓ કેસર કેરીનો પાક સફળતાપૂર્વક લઈ રહ્યા છે જેમાં તેઓ કોઈ જંતુનાશકો કે ડીએપી જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી.

સંપૂર્ણ સજીવ ખેતી કરવાનો ખર્ચ વધારે આવે છે, પરંતુ તેની સામે ભાવ પણ સારા મળી રહે છે.

વર્ષ 2018માં પ્રગતિશીલ ખેડૂતનું પ્રમાણપત્ર મેળવનાર 45 વર્ષીય હરિસિંહ જાડેજા કહે છે, “કેરીની ગઈ સિઝનમાં મેં 10 કિલોના રૂ. 1,400ના ભાવે ઓર્ગેનિક કેસર કેરીઓ વેચી હતી.”

“સામાન્ય રીતે કેરીની સિઝનમાં શરૂઆતમાં અને અંતમાં ભાવ ઊંચા હોય છે અને બજારમાં પાક વધારે આવે ત્યારે વચ્ચેના ભાગમાં ભાવ ઘટતા હોય છે, પરંતુ મને આખી સિઝનમાં એક સરખો ઊંચો ભાવ મળ્યો હતો.”

તેઓ કહે છે, “અગાઉ જાગૃતિનો અભાવ હતો ત્યારે અમે બધો પાક ઉચ્ચક ભાવે વેચી દેતા હતા. હવે અમે ફાર્મથી બધો પાક ઘરે લાવીએ છીએ અને પેક કરીને સારા ભાવે વેચીએ છીએ.”

હાલમાં તેમણે 12 એકર વિસ્તારમાં આંબા વાવ્યા છે. જેમાંથી લગભગ 550 ઝાડ કેસર કેરીના અને 150 ઝાડ દેશી આંબા છે. અમુક સમય પછી આંબા નષ્ટ પણ થઈ જતા હોવાથી 700થી 800 ઝાડની જગ્યા હજુ ખાલી છે અને તેના માટે રોપાં તૈયાર કરાઈ રહ્યાં છે.

સજીવ ખેતી કરવાનો વિચાર શા માટે આવ્યો તે વિશે તેઓ કહે છે, “અત્યાર સુધી તાલાલા-ગીરની કેરીનું વર્ચસ્વ હતું, પરંતુ તેમાં હવે જંતુનાશકો અને ડીએપીનો ઉપયોગ વધી ગયો છે. તેથી મને આ પ્રયોગ કરવાનો વિચાર આવ્યો.”

આ વર્ષે ભારે વરસાદ અને એક વખત માવઠાની અસર થવાથી પાકને 50 ટકા જેટલી અસર થઈ હતી છતાં હરિસિંહ પાંચ ટન જેટલો પાક લેવામાં સફળ રહ્યા હતા.

કચ્છમાં 80ના દાયકાની શરૂઆતમાં કેરીનું બાગાયતી વાવેતર શરૂ થયું, પરંતુ 2007માં ખારેકમાં ટિસ્યૂ કલ્ચરનો ઉપયોગ શરૂ થયા પછી ખરા અર્થમાં વિકાસ થયો તેમ કહી શકાય.

શરૂઆતમાં 2500 હેક્ટરમાં ટિસ્યૂ કલ્ચર ખારેકનું વાવેતર થયું હતું. તે સમયે લગભગ 30 હેક્ટર વિસ્તારમાં દાડમનું પણ કૉમર્શિયલ ગણી શકાય તેવું વાવેતર કરવામાં આવ્યું હતું.

આજે લગભગ 18,000 હેક્ટરથી વધારે જમીન પર દાડમનું વાવેતર છે. તેઓ કહે છે. પપૈયાંના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે અને ગુજરાતમાં કચ્છ નંબર વન છે.

બાગાયતી વિભાગના તત્કાલિન ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. ફાલ્ગુન મોઢે જણાવ્યું, “કેરી માટે ઇન્ડો-બર્મન વિસ્તાર માફક આવે છે. જેથી તે હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી ઊગે છે.”

“કેસર કેરીની વાત કરીએ તો જુનાગઢ પાસે તાલાલા અને વંથલી તેમાં અગ્રેસર હતાં. હવે કચ્છમાં ગઢશીશા અને મોટી માઉમાં કેસર કેરીનો મબલખ પાક લેવાય છે.”

“આજે કચ્છના તમામ તાલુકામાં દાડમ અને ખારેક ઉગાડાય છે, જ્યારે કેરીના ઉત્પાદનમાં માંડવી, નખત્રાણા, અંજાર, ભુજ અને મુંદ્રા તાલુકા અગ્રણી છે.”

2010માં ભારત અને ઇઝરાયલ વચ્ચે કૃષિ ભાગીદારીના ભાગરૂપે દેશભરમાં જુદા જુદા પાક માટે 26 કેન્દ્રોની સ્થાપના થઈ હતી.

તેમાં ભુજમાં ‘ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઑફ ઍક્સલન્સ ફૉર ડેટ પામ’ની સ્થાપના કરવામાં આવી હતી.

જેમાં ભારત સરકાર તરફથી આર્થિક સહયોગ અને ઇઝરાયલની વિદેશમંત્રાલયની એજન્સી ‘મસાવ’ (Mashav) તરફથી ટેકનિકલ જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

ખારેકના વાવેતરથી લઈને રોગ-જીવાતનિયંત્રણ, પલિનેશન (પરાગાધાન), હાર્વેસ્ટ સહિતની માહિતી ભારતના ખેડૂતોને આ કેન્દ્રો દ્વારા મળી હતી.

કચ્છમાં આજે કેટલાક ખેડૂતો સફરજનની ખેતીના પ્રયોગ પણ કરે છે અને તેમણે કાશ્મીર-હિમાચલના HR99 પ્રકારના સફરજન વાવ્યાં છે. જે ગરમ તાપમાનમાં ઊગી શકે છે.

ગઢશીશા પાસે લિચી અને સ્ટ્રૉબેરીની ખેતી કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ કેલિફોર્નિયન આમન્ડ (બદામ)નું પણ વાવેતર કરવામાં આવ્યું છે.

આજે કેરી, ખારેક અને દાડમની મિડલ ઇસ્ટ અને યુરોપમાં નિકાસ થાય છે. ભારતીય દાડમની બાંગ્લાદેશમાં અને ખારેકની ઇન્ડોનેશિયા, માલદીવ, મલેશિયા અને શ્રીલંકામાં સારી માગ છે.

line

બાગાયતી પાકના ઉત્પાદનના આંકડા

બાગાયતી વિભાગના આંકડા પ્રમાણે પાક વર્ષ 2019-20ની વાત કરીએ તો કચ્છમાં લગભગ 58,000 હેક્ટરમાં ફળોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 9,49,115 ટન ફળનો પાક ઊતર્યો હતો. આ ગાળામાં કચ્છમાં 2,35,166 ટન શાકભાજીનું, 80,407 ટન મસાલા અને 1,572 ટન ફૂલનું ઉત્પાદન થયું હતું.

આ સમયગાળામાં કેરીનું વાવેતર 10,475 હેક્ટરમાં થયું અને 64,421 ટન ઉત્પાદન મળ્યું હતું.

1200 હેક્ટરમાં ચીકુનું વાવેતર થયું હતું અને 13,920 ટન પાક ઊતર્યો હતો. ખાટા ફળ 700 હેક્ટરમાં વાવવામાં આવ્યાં હતાં અને 9,035 ટન ઉત્પાદન થયું હતું.

640 હેક્ટરમાં બોરનું વાવેતર અને 6,000 ટન ઉત્પાદન મળ્યું હતું.

2,685 હેક્ટરમાં કેળાના વાવેતર સામે 1,52,777 ટન ઉત્પાદન, 755 હેક્ટરમાં જામફળના વાવેતર પર 12,752 ટન ઉત્પાદન, 18,570 હેક્ટરમાં દાડમના વાવેતર પર 2,94,335 ટન ઉત્પાદન, 18,825 હેક્ટરમાં ખારેકના વાવેતર પર 1,78,461 ટન ઉત્પાદન મળ્યું હતું.

આ ઉપરાંત વર્ષ દરમિયાન કચ્છમાં 2,14,967 ટન પપૈયા, 13,377 ટન નાળિયેર, 57 ટન સીતાફળ, 58 ટન કાજુનો પાક પણ ઊતર્યો હતો.

સતત દુષ્કાળોનો ઇતિહાસ ધરાવતું કચ્છ કેમ બદલાયું?

1985-88ના ગાળા દરમિયાન કચ્છમાં સળંગ ત્રણ વર્ષ સુધી ભયાનક દુકાળ પડ્યો હતો. કચ્છ એ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતા અને સૌથી વધારે દુષ્કાળનો જોખમ ધરાવતા વિસ્તારો પૈકી એક છે.

ખાસ કરીને અહીંના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા રહી છે. હિંદુ બિઝનેસલાઇનના માર્ચ 2019ના અહેવાલ પ્રમાણે 2001ના ભૂકંપ પછી કચ્છમાં ઔદ્યોગિકીકરણ વધ્યું, વીજ પૂરવઠામાં વધારો થયો તેની સાથે ખેતીમાં વધારો થયો છે. સિંચાઈની સુવિધા વધ્યા પછી લગભગ 20 ટકા વિસ્તાર સિંચાઈ હેઠળ છે જેમાં બાગાયતી પાક લેવામાં આવે છે.

સપ્ટેમ્બર 2019માં ઇન્ડોનેશિયા ખાતે ‘વર્લ્ડ ઇરિગેશન કૉન્ફરન્સ’માં ઇન્ટરનેશનલ વોટર મૅનેજમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રહર્ષ પટેલ દ્વારા એક રિસર્ચ પેપર રજૂ કરાયું હતું જેમાં કચ્છના ખેડૂતો પરંપરાગત પાકના બદલે બાગાયતી ખેતી તરફ શા માટે વળ્યા તેનાં કારણો અપાયાં છે.

તેમાં જણાવાયા પ્રમાણે કચ્છની અડધાથી વધુ જમીન ખારા પાણીમાં ડૂબેલી રહે છે અને પરંતુ 2003 પછીનાં વર્ષોમાં પરંપરાગત સિંચાઈ, માઇક્રો ઇરિગેશનનો ઉપયોગ વધ્યો છે અને લોકો પાણીનો ઓછો વપરાશ કરતા બાગાયતી પાક તરફ વળ્યા છે. કચ્છ સમગ્ર ગુજરાતનો લગભગ 25.25 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ તેનો 53 ટકા વિસ્તાર રણ સમાન છે. માત્ર 20.7 ટકા વિસ્તારમાં ખેતી થઈ શકે છે. કચ્છમાં વરસાદ અનિયમિત હોય છે અને આ રિસર્ચ પેપર અનુસાર વરસાદમાં સામાન્ય કરતાં 45 ટકા સુધી વધઘટ જોવા મળે છે.

line

પાણીમાં ટીડીએસનું પ્રમાણે જોખમી સ્તરે

કચ્છમાં ખેતી

છેલ્લાં 15 વર્ષમાં કચ્છમા ભૂગર્ભજળ લગભગ 30 મીટર સુધી નીચે ઊતરી ગયાં છે. તેના કારણે ખારાશનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.

કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ટીડીએસનું પ્રમાણ 1,500થી 3,000 એમજી પ્રતિ લિટર છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર પાણીમાં ટીડીએસનું પ્રમાણ 600 એમજી પ્રતિ લિટરથી વધારે હોય તો તે પાણી ખરાબ ગણાય અને 1,200થી વધુ હોય તો તે બહુ નુકસાનકારક હોય છે. દાડમ એવો પાક છે જે 3000 સુધીના ટીડીએસને સહન કરી શકે છે.

ઇન્ટરનેશનલ વોટર મૅનેજમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ અનુસાર કેટલાક મોટા ખેડૂતોએ 2000ના દાયકામાં દાડમમાં પ્રયોગો કર્યા પછી બાગાયતી ખેતી તરફ જુકાવ વધ્યો છે.

પ્રતિ એકર વળતરની રીતે જોવામાં આવે તો બાગાયતી ખેતીમાં વધુ સારી ઊપજ મળે છે. પરંપરાગત ખેતીમાં ખેડૂતને એક હેક્ટરમાં રૂ. 80થી 90,000ની આવક થવાની શક્યતા હોય તો એટલા જ વિસ્તારમાં દાડમ કે કેરીની ખેતી કરવાથી ત્રણથી ચાર લાખ રૂપિયા સુધીની આવક મળી શકે છે

રિસર્ચ પેપરમાં એમ પણ જણાવાયું છે કે કેરી અને ખજૂરની તુલનામાં દાડમ ઝડપથી પાક આપવા લાગે છે તેથી ખેડૂતને આર્થિક વળતર મળવાની શરૂઆત વહેલી થાય છે.

સૌજન્ય: BBC News Gujarati

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s