દ્વાર દીવાલો થી પર હજો
ક્યાંક માટી થી મહેકતું ઘર હજો
શ્રીકૃષ્ણદેવ રચિત આ રચનાઓ આપણા હૃદયને એટલી ના સ્પર્શી હોત જો આપણે સમયનો કાળ એવા કોરોના કાળ ને સામે ના થવું પડ્યું હોત .ડેલોઈટ ઇન્ડિયા ના એક સર્વે માં જણાવાયું છે કે 74% રીઅલ એસ્ટેટ બિઝનેસ ના માંધાતાઓ માને છે કે કોરોના કાળ પછી ઘરની ખરીદી માં 10 થી 20 ટકા સુધીની વૃદ્ધિ થઇ છે. આમ થવા પાછળ ઘણા કારણો છે પણ સૌથી મહત્વ નું પરિબળ છે, સુરક્ષા. કોરોના કાળ માં લોકો ને એ વાત નો એહસાસ થઇ ગયો કે ‘ઘર જ આપણું ધરતી પરનું સ્વર્ગ છે’. કોરોના માં ભોગવેલી હાડમારીઓએ લોકોને એ વાત સમજાવી દીધી છે કે આપણી પોતાની છત હોવાનું મહત્વ કેટલું વધારે છે. આજ કારણથી હવે ઘણા યુવાન યુગલો(કપલ) પોતાના સેવિંગ્સ ને ઘર ખરીદવામાં રોકી રહ્યા છે. કોરોના આવતા પેહલા યુવા વર્ગ માં એવો ટ્રેન્ડ હતો કે શા માટે બધી જ મૂડી પોતાનું ઘર લેવામાં રોકવી અથવા શા માટે લોન નું ભારણ લઈને જીવવું. તેના કરતા યુવાનો મ્યુચ્યુઅલ ફંડ માં , શેરબજાર માં રોકાણ કરવામાં અથવા હરવા ફરવા અને મોજશોખ માટે રૂપિયા વાપરવામાં માનતા હતા. જોકે સમાજ કેટલો પણ આધુનિક થઇ જાય કે સંપન્ન થઇ જાય પણ મનુષ્યના જીવન માં સુરક્ષા અને આશ્રય માટેની જરૂરિયાત ની જગ્યા બીજી કોઈ મહેચ્છાઓ લાંબો સમય સુધી લઇ શકતી નથી.
સલામતી અને આશ્રયની જરૂરિયાતનું મહત્વ મૂળભૂત માનવ સ્વભાવ છે. મનોવૈજ્ઞાનિક માસ્લો ની હાઈરાર્કી થિયરી માં આ વાત ખુબ સારી રીતે સમજાવાઇ છે. મનુષ્ય ની જરૂરિયાતો ને પિરામિડ માં પાંચ ભાગમાં વહેચવામાં આવ્યું છે જેમાં સૌથી પાયામાં રહેલી જરૂરિયાત જેનો વિસ્તાર પણ વધુ છે તે માનવ ની મૂળભૂત જરૂરિયાત દર્શાવે છે જેમાં જીવંત રહેવા માટે બધી જ શારીરિક જરૂર જેમ કે ભૂખ ,શ્વાસ , પાણી , ઊંઘ અને સ્વરક્ષણ નો એટલેકે આશ્રય નો સમાવેશ થાય છે . ત્યાં બાદ બાહ્ય પરિબળો સામે રક્ષણ માટે સારા જીવણ માટે કમાવવું, પ્રોપર્ટી વગેરે નો સમાવેશ થાય છે જેને અપણે ઉત્તમ જીવન શૈલી ની ઈચ્છા તરીકે લઇ શકીએ, એની ઉપર પ્રેમ, મિત્રતા અને સમાજ ની જરૂરિયાત, એ પછી પ્રસિદ્ધિ અને સ્ટેટસ કમાવાની મહેચ્છાઓ અને આખરે મહાન બનાવની અથવા આ દુનિયા માટે કંઈક કરવાની ઈચ્છાઓ જાગે છે. આ પિરામિડ નો અર્થ એ છે કે જ્યાં સુધી પાયામાં રહેલી જરૂરિયાતો સંતોષાતી નથી મનુષ્ય આગળના પડાવ પર જઈ શકતો નથી એ સ્વાભાવિક પ્રક્રિયા છે. તેથી પોતાનું ઘર હોવાની ઈચ્છા એ મનુષ્યની હકીકતે મૂળભૂત જરૂરિયાત છે. આ થિયરી આજના સમયમાં અસરકારક રીતે સાચી સાબિત થાય છે અને આજ કારણ છે કે ઘર ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે .
પોતાનું ઘર માણસને પોતાના અને સ્વજનો માટે સુરક્ષા અને સલામતી ની ખાતરી આપે છે. અને એકવાર તમે આ જરૂરિયાત બાબતે નિશ્ચિંન્ત થઇ જાવ છો કે ભર ચોમાસે કે ભાર ઉનાળે રેહવા માટે તમારી પાસે ઘર છે તમે જીવનમાં બીજા ઘણા સપનાઓ પુરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો .

તો ઘર ખરીદવાનો ટ્રેન્ડ નવો તો નથી એ હંમેશા માર્કેટ માં હોય જ છે તેમાં સમય સમય પ્રમાણે ભરતી ઓટ આવ્યા કરતી હોય છે. જોકે બદલાતા સમય પ્રમાણે ઘર ખરીદવાની પેટર્ન અને હેતુ બંને બદલાય છે. ભારતમાં 1980 પછી ઘરો ની ખરીદીનું પ્રમાણ વધ્યું એ પેહલા સંયુક્ત કુટુંબ પ્રથા ના કારણે ઘરો ની ખરીદી પ્રમાણમાં ઓછી થતી હતી. લોકો વારસાગત ઘરો માં જ રેહતા અને નવી મિલકત વડીલો જ લેતા કારણકે કમાણી પણ ત્યાંજ જમા થતી. નવી જનરેશન સાથે દરેક ઘરો માં સંકડામણ નો પ્રશ્ર્ન ઉદ્દભવવા લાગ્યો જેથી નવા ઘરો ખરીદવાની જરૂરિયાત ઉભી થઇ. સમાજ માં શિક્ષણ નું પ્રમાણ વધ્યું તેથી નોકરી ધંધા ની તકો વધી. લિબરલાઈઝેશન અને પ્રાઇવેટાઇઝેશન પોલિસી લાગુ થતા જ રોજગાર ની પુષ્કળ તકો ઉભી થઇ. જેથી યુવાનો નોકરી ધંધા માટે શહેરો તરફ જવા લાગ્યા. આમ સંયુક્ત કુટુંબ માંથી અલગ રેહતા યુગલો નવા ઘરો ખરીદવા લાગ્યા.
શિક્ષણ અને વધતી આધુનિકતા સાથે લોકોની વિચારસરણી અને જીવનશૈલી બંને માં બદલાવ આવ્યો. નવી પેઢી સ્વતંત્ર અને વિભક્ત કુટુંબ વ્યવસ્થા ને અપનવવા લાગી હવે તો ઘણા પેરેન્ટ્સ પોતાના બલોકો ને લગ્ન થતા જ અલગ ઘરે રેહવા જવાની છૂટ આપે છે વળી ઘણા તો બાળકો માટે પોતે જ અલગ ઘર લઇ રાખે છે જેથી તેઓ સ્વતંત્ર રીતે પોતાનો સંસાર બનાવી શકે. ઘણા યુગલો બાળકો થયા બાદ સુવિધા ના કારણસર પોતાનું વેગળું ઘર લેતા હોય જ છે. નવી પેઢી માં ફેમિલીના વારસાગત મહેલો માં રેહવા કરતા સ્વતંત્ર રીતે પોતાનો ઘોસલો રચવાની વૃત્તિ વધી રહી છે. વળી શહૅરીકરણ નો વધતા જતા ઘર ખરીદીના ટ્રેન્ડ માં સૌથી મોટો ફાળો છે. વિકાસ ને શોધતા શહેરો માં આવતી વસ્તી અહીં જ વસી જવા ના વિચાર સાથે શહેરો માં નવા ઘરો લેવા લાગી છે.
નવા ઘરના અભરખા ઉભા થવા માત્ર થી ઘરો ની ખરીદી થવા લગતી નથી . ઘરો ની ખરીદીમાં વૃદ્ધિ થઇ છે કારણ કે લોકો પાસે મિલકત ખરીદવાની આર્થિક તાકાત પણ આવી છે. જે જનરેશન 1970 ની આસપાસ જન્મી છે તેઓ હવે 50- 60 વર્ષ ની ઉંમર ના છે અને તેઓ પાસેથી વર્ષો થી ભેગી કરેલી મૂડી છે કે તો વર્ષો પેહલા સ્થાપેલો બિઝનેસ ના લાભ હવે મળી રહ્યાં છે તો તેઓ પાસે ખરીદશક્તિ છે બીજી તરફ ડીજીટલ યુગ માં યુવાવર્ગ સારી એવી કમાણી કરે છે. વળી હવે સ્ત્રીઓ પણ કામ કરવા લાગી હોવથી દરેક કુટુંબ આર્થિક રીતે સધ્ધર બનતું જાય છે જે નવા ઘર ને અફોર્ડ કરી શકે છે. વળી મિલ્કત ખરીદવાના નિયમોમાં બદલાવ જેમકે સહમાલિકી માં ઘર ની ખરીદી, સ્ત્રીઓને ઘર ખરીદવા સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને ઘર ખરીદવા માટે સહજતાથી મળતી લોન વગેરે પરિબળો લોકોની નવા ઘર લેવાની ત્વરિતતા માં મોટો ફાળો ભજવે છે.
હવે કોરોના ની આંધી બાદ જે અચાનક ઘર ખરીદી માં તેજી આવી છે એમાં ઉપરના બધાજ કારણો ની મીલીજૂલી અસર છે. પણ સૌથી મોટું પરિબળ એ લોકોને ‘પોતાનું ઘર’ હોવાનું મહત્વ સમજાયું એ છે. કોરોના ની બંને લહેર માં લોકોએ ઘણી તકલીફો ભોગવવી પડી. સંયુક્ત રીતે રહેતા લોકોએ નાની જગ્યામાં 3 મહિના ઍડજસ્ટ કરવું પડ્યું. ઘણા ઘરો માં એ સ્થિતિ ઉભી થઇ હતી કે ઘરમાં એક કે બે વ્યક્તિ ને કોરોના પોઝિટિવ હોય તો બાકીના ઘરના લોકો ક્યાં જાય ? શહેરો માં ભાડેથી રહેતા લોકો ની અવદશા થઇ હતી કારણ કે ઘણા ખરા મકાનમાલિકોએ ઘર ખાલી કરાવ્યા હતા વળી ઘણા ભાડું ના આપી શકવાથી ઘર બદલવાની સ્થિતિ આવતી હતી. આ બધું જોયા પછી જે લોકો લોન ના ભારણ થી બચવા કે બાળકો ના શિક્ષણ માટે પૈસા બચાવવા માટે ઘર લેવાનો વિચાર માંડી વાળતા હતા તેઓ ઘર લેવા ને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. વળી ઘણા લોકો જે થોડા શ્રીમંત છે તેઓ ગીચ વસ્તી માથી નવા વિકસેલા એરિયામાં ઘરો લેવા લાગ્યા છે જેમકે અમદાવાદની પોળ માં રહેતા વ્યાપારીઓ એક ઓપશન તરીકે શહેરના બહારના વિસ્તારોમાં ફ્લેટ પણ લઇ રહ્યાં છે.

કોવીડ ના પ્રતાપે બીજો મોટો બદલાવ વ્યવસાયિક ક્લચર માં પણ આવ્યો છે. ઘણી ખરી કંપનીઓ દ્વારા લાંબાગાળા માટે ઘરેથી કામ કરવાની પદ્ધતિ અપનાવી લેવાઈ છે ખાસ કરીને એવા ક્ષેત્ર જેમાં ઓફિસ કે કામના સ્થળ નું મહત્વ નથી. પહેલા લોકો મોટાભાગનો સમય ઓફિસ માં વિતાવતા પણ હવે ઓફિસ જ ઘરેથી મેનેજ કરવી પડતી હોવાથી તેમને કામ કરવા માટે ઘરમાં અલાયદી જગ્યાની જરૂર ઉભી થઇ છે જે મોટી ફેમિલીમાં રહેતા લોકો માટે સમસ્યા બની ગઈ. વળી શિક્ષણ પણ ઓનલાઇન હોવાથી બાળકો પણ ઘરે જ રહેતા હોય. હવે ઘણો વધુ સમય બાળકો ઘરે રહેતા હોવાથી તેમની પણ સુવિધા, સુરક્ષા તેમજ તેમને સારું વાતાવરણ મળી રહે તે હેતુ થી યુવાન દંપતીઓ નવા ઘરો લેવા તરફ આકર્ષાયા છે.
આખરે જીવન એટલે યાદો ભેગી કરવાનું કામ અને ઘર જેટલી યાદો બીજે ક્યાં મળી શકે છે?! ઘર માત્ર આપણું સરનામું નથી હોતું આ વિશાલ દુનિયામાં આપણી નાનકડી દુનિયા હોય છે. ઘર આપણા પરિવારની સુરક્ષા અને સલામતી ની બાહેંધરી હોય છે જ્યાં આપણો પરિવાર પ્રેમ ની દીવાલો, હૂંફ ની છત અને વિશ્વાસ ની ભોંય (ફ્લોર) ના સાનિધ્યમાં મહેકતો રહે છે. ઘર એજ આપણી ધરી અને ઘર એ જ દુનિયાનો છેડો.