શૈક્ષણિક પરીક્ષાઓની ઋતુ આવતાની સાથે જ વાતાવરણ માં અચાનક જ ગંભીરતા અને ઉચાટ આવી જાય છે. દરેક કુટુંબ માં , ગલીમાં ધોરણ 10 અને 12 ના કોઈને કોઈ વિદ્યાર્થીઓ તો હોય જ છે. અને આપણા સમાજ ની મઝાની વાત એ છે કે એ જેટલી શુભેચ્છાઓ આપે છે એટલું જ અપેક્ષાઓંનું પ્રેશર પણ. અને એમાં નથી કે પરિવાર કે બહારના લોકો નું જ પ્રેશર હોય દરેક વ્યક્તિ ને સ્વતઃ થી અંગત અપેક્ષાઓ પણ હોય છે. આજે કોમ્પિટિશન માં આગળ રેહવાની ઘેલછા એ હદે છે કે દરેક વ્યક્તિ સારું પર્ફોર્મ કરવાના ભારણ નીચે જીવે છે . સારા ભવિષ્ય ઘડતર માટે પ્રતિબદ્ધ હોવું જરૂરી છે સારી વાત છે પણ તે માટે તૈયારી કરવી , અથાગ પરિશ્રમ કરવું એ બધું જ યોગ્ય છે . પણ ભવિષ્ય ના વિચારોમાં પોતાની આજ ચિંતા અને વિલોપ માં પસાર કરવી એ સહેજ પણ ઠીક નથી. આજે પરીક્ષા અપતા વિદ્યાર્થીઓ ની માનસિક સ્થિતિ માટે લખવાનો વિચાર આવ્યો કારણ કે હજી તો પરીક્ષા ના માત્ર શરૂઆત ના દિવસો છે ત્યાં પેપર સારું ના જવાથી આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના સમાચાર આવવા લાગ્યા છે. આ વર્ષે તો વળી હજી યુવાની ના ઉંબરે પહોંચેલા વિદ્યાર્થીઓ માં હાર્ટ એટેક ની તકલીફો પણ સામે આવી છે. એટલું તો કઈ હદ સુધી બાળકો સ્ટ્રેસ માં જીવે છે કે તેમની શારીરિક હાલત પણ બગડી જાય છે !
પરીક્ષા એ તમને કેટલું આવડે છે એની ચકાસણી હોય, સારું ભણવામાં તમે કુશળ રહ્યા હોવ કે તમે સ્વાભાવિક રીતે હોશિયાર હોવ તો તમને એ પ્રમાણે વધુ બુદ્ધિ માંગતા ક્ષેત્રમાં કામ કરવા મળે નહિ તો તમે બીજા અઢળક ક્ષેત્રો જે તમારી બુદ્ધિક્ષમતા અને કુશળતા ને અનુરૂપ હશે ત્યાં કારકિર્દી બનાવવા મળશે . તમે તમારી આવડત મુજબ જીવન માં કંઈક તો મેળવશો જ બસ તમારે મેહનત કરવાની છે . આટલી સરળ વાત આપણે બાળકો ને કેમ સમજાવી શકતા નથી. ઉલટું પરીક્ષા અને તેના પરિણામ નો હાઉ એટલો હોય છે કે અપેક્ષિત પરિણામ ના મળવાના ભય માત્ર થી બાળકો આખું અમૂલ્ય આયુષ્ય ટૂંકાવી દેતા હોય છે.
માતા પિતા તરીકે તમે તમારા બાળક ની પુરી જવાબદારી લો છો. તેની નાની મોટી બધી જ જરૂરિયાત પુરી પાડો છો . સારી શાળા , ટ્યૂશન , ઓનલાઇન પ્રશિક્ષણ , ડીસ્ત્રબ ન થાય તેવો માહોલ., મનગમતું ભોજન, સલાહકારો ની ટિપ્સ, બદામ કાજુ ને હોર્લિક્સ બધું જ . કેટલાય વાલીઓ બાળકો સાથે ઉજાગરા પણ કરે છે અને દરરોજ પરીક્ષા ની જગ્યાએ સાથે પણ જાય છે ને આ બધામાં જે મહત્વનું કામ એ મોટાભાગના વાલીઓ ભૂલી જાય છે કરવાનું એ છે : પોતાના બાળક સાથે એક પારદર્શી ભાવભીની વાતચીત.
તમે પોતે વિચારો પરીક્ષા હોય છે ત્યારે બાળકો સાથે તમે કેટલી વાત કરો છો ? સમય બગડશે એમ વિચારીને સહેજ પણ નહીં . અહીં સલાહ સૂચનો કે કેટલા માર્ક આવશે એમ લાગે છે એ વાત નહિ પણ તમારું બાળક પરીક્ષાનો ઉચાટ ભૂલી જાય એવી વાતચીત. નથી કરતા આપણે એ વાત કરતા જ નથી કારણ કે આપણે બાળક ને એ વાત કેહતા ડરીએ છીએ. માતા પિતાની બાળકો નામ કમાવે એવી અપેક્ષા તેમના બાળક પ્રત્યે ના પ્રેમ પર હાવી થઇ જાય છે માટે ભાગ્યે જ કોઈ માબાપ પરીક્ષા પેલા બાળક ને આ કેહવાની હિમ્મત કરે છે.
જાણો છો શું ? દરેક માબાપ એ પરીક્ષાઓ ની શરૂઆત થાય એ અગાઉ પાસે બેસાડીને કેહવું જોઈએ કે “તું તારા તરફથી સંપૂર્ણ મેહનત કર, તારા મતે તું તારું બેસ્ટ આપે પછી હવે પરીક્ષા નું પેપર ગમે તેવું જાય કે પરિણામ કઈ પણ આવે અમે હંમેશા તને સપોર્ટ કરીશું. પરીક્ષાના પરિણામ પર અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ તે આધારિત નથી. પરીક્ષા , પરિણામ , કારકિર્દી એ જીવન નો હિસ્સો છે આખું જીવન નથી તેથી કોઈ જ નાહક ની ચિંતા કે કોઈ સાથે સરખામણી કરવાની જરૂર નથી . અમારા માટે તું બેસ્ટ જ છે અને રહીશ.”
આ વાક્યો માં ગજબ નો જાદુ હોય છે. માબાપ નું અનકન્ડીશનલ સમર્થન મળવા જેવો પાવર દુનિયામાં કોઈ નથી. પરીક્ષાનાં વિષયો તો વિદ્યાર્થીઓ પાસ કરી જ દેતા હોય છે પણ એવી પરિસ્થિતિ ક્યારેય ના લાવવી કે જીવન ઘડવાની લાહ્ય માં એ જીવનની પરીક્ષા જ હારી જાય.
તો પરીક્ષાના દિવસો દરમિયાન બાળકો ની માનસિક સ્થિતિ નું ધ્યાન રાખવા માટે શું કાળજી લેવી .
- બાળકો ને પરીક્ષા દરમિયાન અમુક માર્ક લાવવા પડશે એવા દબાણ કરશો નહિ
- પરીક્ષા દરમિયાન તમે , ઘરની કોઈ વ્યક્તિ કે શિક્ષક તેને લડીને હતાશ ના કરે તેનું ધ્યાન રાખો.
- તમારું બાળક પરીક્ષા આપીને આવે કે તરત સહર્ષ તેનું સ્વાગત કરો. તેની અનુકૂળતા થી તેને જાતે જ પેપર વિષે વાત કરવા દો . પણ વાત અવશ્ય કરો. જો તેનો મૂડ યોગ્ય ના લાગે કે પેપર સારું નથી ગયું એમ જાણવા મળે તો તેને જમીને કે રાત્રે સુતા પેહલા ઉપર જણાવ્યા પ્રમાણે વાત કરી ને પછીનું પેપર સારું જશે તે માટે મોટીવેટ કરો. તેને હળવા મૂડ માં લાવવાનો અનાયાસ પ્રયત્ન કરો.
- તમારું બાળક પરીક્ષા દરમિયાન પૂરતી ઊંઘ લે , વધુ ચિંતા ના કરે અને બીજા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતાશા ના અનુભવે તેનું ધ્યાન રાખો
- તમે તમારા બાળક ને સૌથી વધુ સારી રીતે ઓળખતા હોવ છો જો તમને તે ખુબ હતાશ લાગે તો તેની સાથે રહો ,ચા-કોફી આપવાના બહાને તેની સાથે નાના નાના સંવાદ કરો
- પરીક્ષા પછી ના પ્લાન અંગે પણ તેની સાથે વાત કરી શકો છો જેમકે ફરવા જવું, ક્રિકેટ કેમ્પ માં જોડાવું વગેરે
- તમારું બાળક પોતે જ ખુબ મહત્વાકાંક્ષી હોય અને અપેક્ષા પ્રમાણે તેનું પિઅર ના ગયું હોય તો તેને સાંત્વના આપવા કરતા તેને તેની આવડત અને ક્ષમતા વિષે વાત કરી તેનું મનોબળ ઉપર લાવો.
- ઘરમાં વડીલો હોય જેમની સાથે બાળકો ખુલ્લ્લા મન થી વાત કરતા હોય તો તેમની સાથે થોડો સમય પસાર કરવા માટે કહો.
- દરેક વાત ને પોઝિટિવ રીતે રજુ કરો. બાળક રૂમ માં પૂરાયેલું ના રહે તેનું ધ્યાન રાખો
- પરીક્ષાનો કાર્યક્રમ પૂર્ણ પછી બાળક ગુમસુમ લાગતું હોય તો તેને બહાર લઇ જાવ, તેના મિત્રો ને બોલાવી તેને ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન કરો. તેને ગમતી હોબી માં પ્રવૃત્ત કરો . સ્વિમિંગ, પેઇન્ટિંગ ,ડાન્સિંગ વગેરે
- બાળકો ને હંમેશા જણાવો કે તમે પરીક્ષાઓ ના પરિણામ પ્રમાણે તેમને અંકાવાના નથી. તેમનું સુંદર વ્યક્તિત્વ કોઈ પણ પરીક્ષાનું પરિણામ બદલતું નથી અને તમારો એમના માટે પ્રેમ બિનશરતી છે.
બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કુમળી વયના હોય છે . તેઓ પરિણામ કરતા તેના વૈચારિક ભય થી વધુ ડરી જાય છે. ‘સહ વિદ્યાર્થીઓ આગળ નીકળી જશે , સગા સબંધી શું કેહ્શે , હું માતા પિતા ની અપેક્ષા પુરી ના કરી શક્યો , હું કોઈ લાયક નથી’ આવા વિચારો તેમને નાસીપાસ કરતા હોય છે. તમે આ બધા જ વિચારો નો તેમના મગજ માંથી છેદ ઉડાડી દો. જીવન ખુબ લાબું છે, પરીક્ષાઓ આખું જીવન આપવાની છે અને સફળ થવાના ઘણા રસ્તા છે. દરેક વ્યકતિ અલગ હોય છે એજ પ્રમાણે તેની ડેસ્ટીની પણ. તમારા બાળક ને તમે આ જ્ઞાન આપો જેથી તે તમારા માટે તો તે નિશ્ચિંન્ત થઇ જશે અને તમારા સમર્થન થી મનોબળ પણ વધશે.
માતા પિતા તેમના બાળકો માં જેટલો વિશ્વાસ મૂકે છે બાળક નો આત્મવિશ્વાસ એનાથી બે ગણો થઇ જાય છે આ એક વણકહ્યું સત્ય છે. તમારા બાળકો માટે તમે એ માળો બનો જ્યાં આખી દુનિયા થી , જીવનથી કે તુફાનો થી આહત થઈને પણ તેઓ સ્વમાન ભેર પાછા આવી શકે.
પરીક્ષાઓ આવશે ને જશે , દરેક વ્યક્તિ જીવન માં કાઇને કઈ તો કરી જ લેતું હોય છે , પણ આ સમયે તમે તમારા બાળક સાથે જે રીતે વર્તન કરશો એ ઉપર જીવનભર માટે તેના અંગત વ્યક્તિત્વ તેમજ તમારા તેની સાથે ના સબંધો પણ નક્કી થતા હોય છે !!