ગુજરાત અને રાજસ્થાન ના બોર્ડર પર આવેલા અંબાજીના પ્રસિદ્ધ મંદિરે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ખાસ કરીને વર્ષ દરમિયાન આવતી નવરાત્રિઓમાં . ગુજરાત ના બનાસકાંઠા માં આવેલું આ પવિત્રધામ 51 શક્તિપીઠ માં એક છે જે આરાસુર પર્વત પર આવેલું હોવાથી અંબે માં આરાસુરી અંબે માં નામ થી પણ શ્રદ્ધાળુઓ માં પ્રચલિત છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે અને તેનું પૌરાણિક મહાત્મય ખુબ વધારે છે. ગુજરાતના ઘણા જુના પરિવાર ની કુળદેવી માં અંબા છે અને તેઓ અંબાજીના માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. દરેક સારા પ્રસંગોએ અંબાજી મંદિર ના દર્શને લોકો સહ પરિવાર આવે છે.
પૌરાણિક કથા :
શિવજી અને સતી દેવી પાર્વતી ની જોડી અતૂટ અને અનન્ય હતી. તેઓની આત્મા જાણે કે એકબીજામાં વસતી હતી. પ્રેમ અને શક્તિ ના સ્વરૂપ એવા શિવપાર્વતી ની જોડી સૌથી આદર્શ છે પરંતુ કહેવાય છે કે દેવી સતી એ જયારે અગ્નિસમાધિ લીધી શિવ તમેનું મૃત શરીર લઈને આખા બ્રહ્માંડ માં તાંડવઃ કરતા ફરી રહ્યા હતા.તેમના રૌદ્ર સ્વરૂપ થી બ્રહ્માંડ ને બચાવવા માટે વિષ્ણુ ભગવાને તેમના સુદર્શન ચક્ર નો ઉપયોગ કરીને સતી ના શરીર ના 51 ટુકડા કરી નાખ્યા આ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા એ દરેક સ્થાન શક્તિ પીઠ તરીકે ગણાય છે જે ભારત અને આસપાસ ના દેશો માં હવે સ્થિત છે. પૌરાણિક માન્યતા મુજબ દેવી સતી નું હૃદય અંબાજી સ્થાનક માં પડ્યું હતું અને તેથી આ સ્થાન નો મહિમા અપરંપાર છે.
આ સિવાય અન્ય એક મહાત્મય એ પણ છે કે એ યશોદા અને નંદજીએ શ્રીકૃષ્ણ નું મુંડન અહીં જ કરાવ્યું હતું. પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ પણ જયારે સીતામાતા ની શોધમાં અહીં આવી પહોંચ્યા ત્યારે તેમને દેવી માં નું તપ કર્યું હતું અને દેવી માં એ તેઓને રાવણ નો વધ કરવાનું બાણ આપ્યું હતું.
અંબાજી મંદિર ની વિશેષ બાબત એ છે કે તેના ગર્ભગૃહ માં કોઈ મૂર્તિ બિરાજમાન નથી પરંતુ ત્યાંની દીવાલ ઉપર એક શ્રી યંત્ર જડેલું છે જે તાંબાનું છે અને વેદિક લખણ ધરાવે છે. આ શ્રીયંત્ર ને જ એટલી સુંદર રીતે સજાવવામાં આવે છે કે તે દેવી સ્વરૂપ રૂપે ઉભરી આવે છે. આ મંદિર માં તેનું જ પૂજન અને દર્શન પૂર્ણ આસ્થા થી કરવામાં આવે છે .
અન્ય રસપ્રદ વાત આ મંદિર બાબતે એ છે કે અહીં સવારે માં અંબા ના બાળ સ્વરૂપ નું પૂજન કરાય છે બપોરે યુવા સ્વરૂપ નું અને સાંજે પ્રૌઢ સ્વરૂપ નું પૂજન કરવામાં આવે છે.
અંબાજી મંદિર આખી દુનિયામાં એક માત્ર મંદિર છે જ્યાં દેવીમાં ની સવારી માટે અઠવાડિયાના સાત દિવસ માટે સાત અલગ અલગ વાહનો નો ઉપયોગ થાય છે . સોમવારે નંદી , મંગળવારે સિંહ , બુધવારે ઐરાવત , ગુરુવારે ગરુડ , શુક્રવારે હંસ , શનિવારે હાથી અને રવિવારે વાઘ નો ઉપયોગ થાય છે .
અહીં કેટલાય વર્ષો થી અખંડ જ્યોત (દીવો ) પ્રજ્વલિત રાખવામાં આવે છે જે એક અંબાજી મંદિર ના પ્રાંગણ માં ચાંચર ચોક માં અને એક ત્યાંથી થોડે દૂર આવેલા પ્રસિદ્દ ગબ્બર પર્વત પર તેની જ લાઈન માં આવેલ સ્થાને પ્રજ્વલિત કરવામાં આવે છે . ભક્તો સાંજના સમયે બંને સ્થાને થી આ દીવાની જ્યોત ને એક લાઈન માં જોઇ શકે છે.
આ મંદિર ના જિર્ણોદ્ધાર નું કામ 1975 થી ચાલે છે . આ સંપૂર્ણ મંદિર આરસપહાણ થી બનેલું છે અને તેનું કળશ 103 ફિટ ઊંચાઈ પર છે અને ત્યાં 358 સુવર્ણ કળશ સુસજ્જિત છે .