સ્ત્રીને લાગણીઓનો આશીર્વાદ હોય છે, મમતાનો અનન્ય ભાવ હોય કે પ્રેમનો ઉન્નત સાક્ષાત્કાર એના શરીરમાં એને અનુભવાય છે. દુઃખ, વેદના, આનંદ, ઉચાટ એકંદરે જીવનને એ પુરુષ કરતા થોડું વધુ નજીકથી સ્પર્શે છે. સ્ત્રીને મળેલી લાગણીઓ પુરુષ માટે કોઈક વળાંકે ઈર્ષ્યાનું કારણ ચોક્કસ બનતું હશે. પુરુષ કદાચ સ્ત્રીને પામવાનો પ્રયાસ આજ કારણોથી કરતો હશે. સુંદરતાનું આકર્ષણ કદાચ એની છુપી મહત્વકાંક્ષાઓનું આવરણ હશે.
જોકે પુરુષની ખૂટતું પૂરવાની ઈચ્છાઓને સ્ત્રી કુદરતી રીતેજ માન આપતી હોય છે. સ્ત્રી તેની સંવેદનાઓને નદીની જેમ વહાવે છે. પુરુષને તેમાં ભીંજાવા દે છે. સામાન્ય રીતે પુરુષ આ પ્રવાહમાં વહીને ખુશ હોય છે. પૂર્ણતા તેને સંતૃપ્તિ આપતી હોય છે. આ જ રીતે ઉછળતા મોજાંઓ કિનારે આવીને શાંત ઉષ્માભરી જમીનમાં સમાંતર થઈ જતા હોય છે.
પરંતુ આ પ્રણાલી ત્યાં સુધી જ સુરક્ષિત હોય છે જ્યાં સુધી અસુરક્ષાનો ભાવ મનના દરવાજા ખટખટાવતો નથી.
સ્ત્રીને લાગણીઓના આશીર્વાદ છે તો એ હણાવાના, દુભાઇ જવાના અભિશાપ પણ. પુરુષને અહમનો આનંદ છે તો અહમ ઘવાવાનો ભય પણ. સ્ત્રી અને પુરુષ બંને આ ઘવાયેલી લાગણીઓ પછી મનુષ્યરૂપે હેવાન બનવાની ક્ષમતા રાખે છે. જાણે કે એમના ખુલ્લા ઘામાંથી કોઈ હેવાની વાઇરસ શરીરમાં પ્રવેશતો હોય.
માણસને મળેલી શક્તિઓને સારા ખરાબનું જ્ઞાન નથી હોતું. એ મન અને બુદ્ધિથી સંચાલિત હોય છે. સુપરઈગો કહેવાય જેને યુ નો?! પછી ભગ્ન હૃદય, લાગણી, અહંમ કે એવા વેરવિખેર ઘણા ઇન્ટરનલ આવેગો જે કરે છે તે ‘સમજ’ નામના કોમળ, સુસઁસ્કૃત, નાજુક અને આત્મલક્ષી બાંધને તોડીને ક્યાંય ઘમરોળી દે છે. જ્યાં સંતુલિત લાગણીઓનો પ્રવાહ આ અદભુત દુનિયાનું સૂત્રસંચાલન કરતો હોવાનું ભાસે ત્યાં એનું એન્ટોનીમ વર્ઝન જીવનના બધા સત્યોનો પરાભવ કરતું જણાય.
સુંદરતા અને દૈવી સાક્ષત્કાર જેવો એકાકાર સ્ત્રી પુરુષનો સમન્વય જયારે વિપ્લવ બને ત્યારે શમી ગયેલા જવાળમુખી એટલાજ જોરથી રિવર્સ બેક આવે છે. પોતાના વિજાતીય સંગતમાં ઓગળી ગયેલા અસ્તિત્વને પાછું ખેંચી લેવા મથતા નિરર્થક પ્રયાસો, એકકારમાં અલગ આકાર શોધવાની મિથ્યા મથામણ અને વિફલતાનો રોષ ઉગ્રતાને જન્મ આપે છે. અને પછી જે થાય છે તે ક્રૂર, અસામાજિક કે અકલ્પનિય જેવા લેબલ હેઠળ આવતું કૃત્ય હોવા છતાં તે જીવનનો જ એક ભાગ હોવાનો અસ્વીકાર કોઈ કરી શકે તેમ નથી.
કુદરતે સર્જેલી દરેક બાબતમાં વિરોધાભાસનો સંગમ છે!
તા.ક. સ્ત્રીઓએ હંમેશા યાદ રખવું કે તેમની સૌથી મોટી તાકાત તેમની સુંદરતા નહિ પણ લાગણીઓ છે. તેથી વધુ સમય તેને મઠારવામાં, તરલતા આપવામાં અને એટલી સશક્ત બનાવવામાં આપવો કે કોઈ તેને સરળતાથી ઠેસ ના પહોંચાડી શકે.