Gen Z માં ભયજનક રીતે વધી રહયું છે ડિપ્રેશન, તણાવ અને નિરુત્સાહનું પ્રમાણ, શું છે તેના પાયાના કારણો?

યુવા પેઢીમાં આત્મહત્યાના કિસ્સાઓ રોજ સમાચારમાં ઝળક્યાં કરે છે. યુવા વર્ગ ખાસ કરીને 2000 ની સાલ પછી જન્મેલા બાળકો કે જેમને Gen Z કહેવામાં આવે છે તેઓ માનસિક સ્વાસ્થ્યને લઇને ખુબ પડકારોનો સામનો કરી રહ્યા છે. કોવિડ મહામારી પછી આ સમસ્યાઓમાં વધારો થયો છે. કોવીડ દરમ્યાન ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, કેટલાય લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી, કેટલાય લોકોએ પોતે રેહત હોય તે સ્થાન છોડી પોતાના વતન કે અન્ય શહેરમાં જવું પડ્યું. વર્ક ફ્રોમ હોમ જેવા ક્લચરથી યુવાઓ એક જ સ્થળે ભરાઈ રહેવા લાગ્યા. આવી ઘણી વિષમ પરિસ્થિતિઓને કારણે યુવા પેઢી અત્યંત માનસિક તણાવ અને જટિલ લાગણીઓ સાથે ઝઝૂમી રહી છે. એવામાં માનસિક સમસ્યાઓનો કહેર યુવા પેઢીની પરેશાની બની ગયું છે.

 Deloitte  India ના એક એહવાલ મુજબ 6.9% Gen Z બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે
8.5% Gen Z ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરથી પીડિત છે
27% Gen Z પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડિત છે
32% Gen Z સબસ્ટન્સ યુસેજ ડિસઓર્ડરથી પીડિત છે
42% Gen Z ડિપ્રેશનથી પીડિત છે
53% Gen Z એન્કઝાઈટી ડિસઓર્ડરથી પીડિત છે
57% Gen Z સ્ટ્રેસથી પીડિત છે

માનસિક સમસ્યાઓ માટે બાહ્ય પરિબળો જેટલા જવાબદાર હોય છે એટલા જ આંતરિક પણ. દરેક વ્યક્તિનો ટ્રિગરિંગ ઈશ્યું (Triggers) અલગ અલગ હોય છે. કેટલીક વેદનાઓ કે ડર મનમાં ઘર કરીને રહેલા હોય છે પછી કોઈક ઘટના બનતા તેને ઉદ્વેગ મળે છે અને તે સિરિયસ બની જાય છે. માનસિક સમસ્યાઓ બાળકોની હોય કે મોટાઓની તેને અવગણવી જોઈએ નહિ. તે ક્યારે જાનલેવા સાબિત થાય તે નક્કી નથી. તે માત્ર વ્યક્તિગત રીતે હાનિકારક નથી તે આખા પરિવાર, સમાજ અને બહોળા વર્ગને હાનિ પહોંચાડી શકે છે. તો એ વિષે અવશ્ય ચર્ચા થવી જોઈએ કે Gen Z ના કથળી રહેલા માનસિક સ્વાસ્થ્ય પાછળ કયા પરિબળો જવાબદાર છે?

ટેક્લોનોલોજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ :

સોશિયલ મીડિયા ઉધઈની જેમ યુવાવર્ગને કોતરી રહ્યું છે. યન્ગસ્ટર્સ જે રીતે પોતના જીવનના કેન્દ્ર સ્થાને સોશિયલ મીડિયાને રાખી રહ્યાં છે તે ચિંતાજનક છે. કારણકે આખરે બધું જ વર્ચ્યુઅલ છે. ને ક્ષણિક પણ. તમારી ઇન્સ્ટગ્રામ કે ફેસબુક હયાતી ક્યારે પણ ભૂંસાઈ શકે છે. અને એને જ જાળવી રાખવા ટીનએજર્સ ઘેલા બન્યા છે. આ peer pressure બધા બાળકો કે યુવાનો સહન કરી શકતા નથી. કેટલાય યંગસ્ટર્સ જાહેર જીવન માટે કોન્ફિડન્ટ હોતા નથી તેમના માટે આ સોશિયલ મીડિયા ખુબ બર્ડન બની જાય છે. ઘણીવાર તેઓ લેફ્ટ આઉટ ફીલ કરે છે. પોતાના પ્રત્યે ક્ષોભ અનુભવે છે. આ હીનભાવના તેમને ડિપ્રેશનનો ભોગ બનાવે છે. ઉપરાંત ટેક્નોલોજીના અતિરેકથી લોકો એકબીજાથી દૂર થઇ રહ્યા છે. ભાવનાશીલ વાતચીતનો અને કૂણાં સબંધોનો અભાવ બાળકોને એકલવાયા કરી મૂકે છે. એક સગીર વ્યક્તિ પાસે પોતાના મનની મૂંઝવણો કેહવા માટે મિત્ર નથી અને છે તો તેની પાસે સમય નથી. સતત રીલ્સ જોતા કે સ્ક્રોલ કરતા યુવાનોની એકાગ્રતા સમાપ્ત થઇ જાય છે અને આ આદત કિંમતી સમય જે પોતાના વ્યક્તિગત વિકાસમાં ઈન્વેસ્ટ કરવો જોઈએ તે બીજાના જીવનને જોઈને ઉદાસ થવામાં કે ખયાલી પુલાવ પકવવામાં વેડફે છે. પરિણામે માનસિક તકલીફો ઘર કરે છે. જે સમયાંતરે વિકરાળ બની જાય છે.

તૂટેલાં પરિવાર અને મુશ્કેલ બાળપણ

આજના સમયમાં જ્યાં લગ્ન સબંધો ટૂંકાગાળામાં વીખેરાઈ જવા લાગ્યા છે એવામાં માતાપિતાના સતત મતભેદ અને આક્રમકઃ ઝગડાઓ જોઈ રહેલા બાળકો જીવન પ્રત્યે ઉદાસીન થઇ જાય છે. પોતના વ્યક્તિગત મતભેદોના કારણે તેઓ બાળકોને યોગ્ય ઉછેર આપવામાં અક્ષમ રહે છે. ડાઇવૉર્સ્ડ માતાપિતા સાથે રેહતા બાળકો અસુરક્ષાની લાગણીથી પીડાતા હોય છે. માતાપિતાના દુઃખને નજીકથી જોનાર બાળક પોતે પણ મનમાં દુઃખી થતું હોય છે. આ લાગણીઓને વાચા ન મળતા તે આગળ જઈને આક્રમકઃ રૂપ ધારણ કરે છે અથવા તો ખુબ જ નિરુત્સાહી વલણ ધરાવે છે.

કેટલાક બાળકો નાનપણમાં ખુબ જ ગુસ્સાનો કે મશ્કરીનો ભોગ બન્યા હોય છે. તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા હોય છે. ઘણીવાર નોકરિયાત માતાપિતા બાળકોને યોગ્ય અટેંશન આપી શકતા નથી અને બાળકો એકલતાના વમળોમાં ફસાઈને માનસિક બીમારીનો ભોગ બનતા હોય છે. કેટલીક વાર તેઓ નશા જેવી આદતોનો ભોગ બની જતા હોય છે.

રિલેશનશીપ

ટીનેજર્સ અને યુવાનોમાં માનસિક તણાવ અને અન્ય સમસ્યાઓનું ખુબ મોટું કારણ પ્રેમસંબંધની આસપાસ હોય છે. યુવાનોમાં સામાન્ય વિજાતીય આકર્ષણ અને પ્રેમ મેળવવાની ઝંખના તેમને ઘણીવાર એન્ક્ઝાઈટી(Anxiety) કે સ્ટ્રેસનો ભોગ બનાવે છે. ટીનેજર્સમાં સામાન્ય એવું peer pressure રિલેશનશિપને એક અસ્તિત્વની સૌથી મોટી જરૂરિયાત બનાવી દે છે. શો ઓફ ની ધૂનમાં ટીનેજર્સ મોટી મોટી ભૂલો કરી બેસતા હોય છે. રિજેક્શન સહન કરી શકતા નથી. પ્રેમી વગરનું જીવનને અમૂલ્ય ગણવા જેવી મુર્ખામીઓ કરતા હોય છે. આ લાગણીઓ તેમને ડિપ્રેશનનો ભોગ બનાવે છે.

વર્કપ્લેસ ઇશ્યુઝ

કટોકટીની પ્રતિસ્પર્ધાના વાતાવરણમાં કામનું દબાણ, વર્કપ્લેસ પોલિટિક્સ, પર્ફોર્મન્સ પ્રેશર વગેરે યુવાનોને માનસિક રીતે તોડી નાખે છે. આ મુદ્દાઓને યોગ્ય રીતે ડીલ કરવામાં ના આવે તો તે કરિયર માટે હાનિકારક સાબિત થતા હોય છે. યુવાનોમાં રહેલી અતિ મહત્વકાંક્ષા પણ તેમને માનસિક સમસ્યાઓ તરફ ધકેલી શકે છે. સતત કામના દબાણ હેઠળ રેહતા અથવા અન્ય કર્મચારીઓના બુલિંગનો ભોગ બનતા યુવાનો કામ પ્રત્યે ઉદાસીન થઇ જાય છે અને અંતે ડિપ્રેશનમાં સારી જાય છે.

અન્ય કેટલાક મુદ્દાઓમાં શહેરોમાં કામ માટે પરિવારથી રેહતા યુવાઓની એકલતા, નવા જમાના સાથે કદમ ના મિલાવી શકતા યુવાનોનું ફ્રસ્ટ્રેશન, ખાવાપીવાની આદતો, વ્યસનો, લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે જરૂરી ફાઇનાન્શિયલ જરૂરિયાતોનું દબાણ વગેરેનો સમાવેશ થાય છે.

COVID19 પછી વણસેલી સ્થિતિ

શરૂઆતમાં વાત કરી એમ મહામારી દરમિયાન ઘણા યંગસ્ટર્સે પોતાની નોકરીઓ ગુમાવી તેઓ સખત તાણનો અને અસૂરક્ષાનો ભોગ બન્યા, ખાસ કરીને જેમણે ત્યારે જ કરિયરની શરૂઆત કરી હતી. ઉપરાંત અચાનક શાળા કોલજ ઓફિસ બંધ થઇ જતા ઘરમાં રહીને તેઓ વધુ ઉચાટ અને ઉદાસીનતા અનુભવવા લાગ્યા. વર્કફ્રોમ હોમ ક્લચરે વ્યક્તિને વધુ એક્લવાયો બનાવી દીધો. કેટલાય લોકો જેમણે સ્વજનો ગુમાવી દીધા તેઓ એકાએક જીવન પ્રત્યે ઉદાસીન થઇ ગયા. કેટલાય લોકોએ શહેર છોડીને વતન જવું પડ્યું. કેટલાયને જીવનમાં નવા માર્ગો શોધવા પડ્યા, સ્ટાર્ટઅપ બંધ કરવા પડ્યા, અભ્યાસ છોડીને કામે લાગવું પડ્યું , કેટલાયને અંગત સબંધો ગુમાવવા પડ્યા વગેરે વગેરે.

યુવાનોમાં વધી રહેલ ડિપ્રેશનના કિસ્સાઓ અલાર્મિંગ છે. ડિપ્રેશન અને તણાવ યંગસ્ટર્સને કામ અને અભ્યાસથી વિમુખ બનાવે છે. તદુપરાંત નશા અને બેકારીના સકંજામાં જકડે છે. આ માનસિક સમસ્યાઓ આત્મહત્યા, સેલ્ફ હર્ટ, ખોટા ઇન્ફ્લ્યુન્સનો ભોગ બનવું, વિદ્રોહી વલણ અપનાવવું, ગુનાખોરી અને ખોટી સંગતોમાં શામેલ થવું વગેરે જેવા પરિણામો ને નોતરે છે. Gen Z એક એવી પેઢી છે જે બદલાવની નવી દિશા નક્કી કરશે પણ તે હકારાત્મક રહે તે માટે વિશેષ અને સાતત્યભર્યા પ્રયાસોની જરૂર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s