વિશ્વભરમાં મે મહિનાને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેટ પર માનસિક સ્વાસ્થ્ય વિશે ઘણું લખાયું છે. જો કે, ખાસ કરીને પુરુષોના માનસિક સ્વાસ્થ્ય વિશે ખુબ ઓછું વાંચવા મળશે. આજે અહીં માનસિક સ્વાસ્થ્ય બાબતે એક ખૂબ જ અવગણવામાં આવેલ પરંતુ અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાને સંબોધિત કરીશું.
સામાન્ય રીતે “છોકરાઓ રડતા નથી”, “પુરુષો તૂટતા નથી” અને “મર્દ કો દર્દ નહી હોતા” જેવી સામાજિક માનસિકતા પ્રવ્રતે છે. દુનિયા પુરુષોને આવા કથિત માપદંડો પર મુલવતી રહે છે. જોકે તેને સમર્થન આપવા માટે કોઈ ડેટા નથી. પુરુષત્વનું આ આડંબરી દંભ તેમને કેટલું હાનિ કરે છે એ બાબતે સમાજમાં અને ખુદ પુરુષોમાં કોઈ સજાગતા નથી.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સંશોધન દ્વારા દર 7મો પુરુષ માનસિક સ્વાસ્થ્યની તકલીફોથી વ્યથિત છે. પુરુષોમાં આત્મહત્યાથી મૃત્યુ દર 18.7% થી વધીને 23.4% થયું છે.
અલબત્ત પુરુષો ભાવનાત્મક રીતે સ્ત્રીઓ કરતાં વધુ મજબૂત હોય છે (કારણ કે તમામ હોર્મોનલ ગેમ્સ સ્ત્રીઓના શરીરમાં જ રમાય છે). જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે પુરુષોને ખતરો ઓછો હોય છે પરંતુ શારીરિક તાકત ને માનસિક નબળાઈ સાથે કોઈ લેવાદેવા નથી.
જોકે, માનસિક રીતે પણ સૌથી સશક્ત વ્યક્તિ, પછી એ પુરુષ હોય કે સ્ત્રી જીવનના એવા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ શકે છે જે તેમને માનસિક બીમારી સુધી ખેંચી જાય છે. જે ઠંડા વાતાવરણમાં શરદી થવા જેટલું સામાન્ય છે.
પુરુષોમાં માનસિક રચના તો સ્ત્રી જેવી જ હોય છે. છૂટાછેડા, હાર્ટબ્રેક, નોકરી ગુમાવવી, અસ્વીકાર, નાણાકીય કટોકટી, મૃત્યુ જેવા કપરા સમય તેમને પણ મહિલાઓની જેમ સખત અસર કરે છે.
જો કે, સામાજિક સ્ટીરિયોટાઇપ્સ અથવા વ્યક્તિગત અહંકાર હેઠળ તેઓ તેમની પીડાને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. પુરુષોને રડવાની પણ છૂટ નથી. જ્યારે રડવું એ પેશાબ કરવા જેટલું સામાન્ય છે.
પરિણામે પુરુષો આક્રમકતા, હતાશા, તણાવ, નશાની આદત અને અસામાજિક વર્તણૂકોના ભોગી બને છે.
આપણું સામાજિક માળખું પુરુષો પર આર્થિક સંપત્તિ, શારીરિક અને ભાવનાત્મક નીડરતા અને ઘણી બધી “પુરુષોને શોભે” જેવી જવાબદારીઓનો બોજ લાદે છે. જ્યારે લાગણીઓ વ્યક્ત કરવા માટે તેઓને ખૂબ જ નાની વિન્ડો આપે છે.
એક અભ્યાસ સૂચવે છે કે મધ્યમ વયના (35-60) પુરુષોમાં આત્મહત્યાનો દર ખુબ ઊંચો છે.
કારણો મોટે ભાગે સમાન પરિબળો જ હોય છે જે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને માનસિક રીતે નુકસાન કરતા હોય છે. આધેડ વય એવા વર્ષો છે જ્યાં પુરૂષોનું ખુબ ઓછું ધ્યાન રાખવમાં આવે છે. લોકો સમજે છે કે તેઓ પોતાનું ધ્યાન રાખી શકે એમ છે અથવા સ્વતંત્ર અને સશક્ત છે એમનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી.
જોકે હકીકત આટલી સરળ નથી.
એક કેસ સ્ટડી થી સમજીએ. 40 વર્ષની ઉપરની વયનો એક પુરુષ આરોગ્ય બાબતે ઘણી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહયો છે. જેની અસર તેની વ્યાવસાયિક કારકિર્દી પર પડે છે. તેના કિસ્સામાં, તે તેના માટે નાણાકીય સમસ્યાઓનું કારણ બને છે. આખરે તેની અસર ગૃહસ્થી પાર પણ પડે છે અને લગ્નસંબંધોને અસર કરે છે. તે વૈવાહિક સમસ્યાઓનો સામનો કરી શકતો નથી અને દારૂની આદતમાં પડી જાય છે. સામાજિક રીતે પોતાને અલગ કરી લે છે. તેની તકલીફ ગુસ્સામાં પરિણમે છે અને એવી વ્યક્તિ બની જાય છે જેને મેનેજ કરવી ખુબ મુશ્કેલ છે. આવી નિરાશાજનક પરિસ્થિતિમાં પીડાને સમાપ્ત કરવા માટે તેના મગજમાં આત્મહત્યાના વિચારો ઘર કરવા લાગે છે.
વળી, તેઓ પોતાના માટે સ્વાસ્થ્યને લગતી વધુ સમસ્યાઓ નોતરે છે જેવી કે સ્ટ્રોક, પેરાલીસીસ જેવી જીવલેણ પરિસ્થિતિઓને આમંત્રિત કરી શકે છે. અતિ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરની વધતી સમસ્યા માનસિક અસ્વસ્થતાના પરિણામે પણ હોઈ શકે છે.
પુરુષોને માનસિક સ્વાસ્થ્યની બીમારીમાં અટવાઈ જતા કેવી રીતે રોકી શકાય?
🫂 લક્ષણોની જલ્દી ઓળખ: માનસિક અસ્વસ્થતા દર્શાવતા લક્ષણો બાબતે સજાગ રેહવું જોઈએ. જો તે વધુ વખત અસામાન્ય વર્તન કરતો હોય તો તેની પાછળનું કારણ વાત કરવાની જાણવાનો અથવા સમજવાનો પ્રયાસ કરો.
🫂પ્રારંભિક કાળજી: મુક્ત વાતાવરણ બનાવો જ્યાં તે સરળતાથી સમસ્યાઓ વ્યક્ત કરી શકે અથવા ઓછામાં ઓછું તેના મનમાં શું ચાલી રહ્યું છે તે વાત કરી શકે.
સૌથી મોટો પડકાર એ છે કે પુરુષો એ સ્વીકારવાનો ઇનકાર કરે છે કે તેમને માનસિક સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યાહોઈ શકે છે અને તેની સારવાર માટે તેમને કોઈ સલાહકારની મદદ લેવી જોઈએ. એ વિચારધારા પાછળ સામાજિક પરિબળો જવાબદાર હોઈ શકે છે. તેમનું આત્મગૌરવ તેમને સ્વીકારવા દેતું નથી કે તેમની સાથે કંઈક તકલીફ છે અને તેને દૂર કરવાની જરૂર છે.
જો કે, પુરુષોને આવા વૈચારિક પૂર્વગ્રહોથી આગળ વધીને માનસિક સ્વાસ્થ્ય માટે સજાગ કરવા માટે પ્રયત્નશીલ રેહવું જોઈએ.
અહીં કેટલાક ઉપાયો છે જે માનસિક સમસ્યાથી પીડાતા પુરુષોને મદદ કરવામાં ઉપયોગી થઇ શકે.
👉 તેને કૌટુંબિક, રમતગમતની અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ કરો.
👉 તેમને એવા પ્લેટફોર્મ્સ સાથે પરિચય કરાવે છે જે માનસિક સ્વસ્થતા માટે આડકતરી રીતે મદદરૂપ થઇ શકે.
👉 એવા મેસેજીસ શેર કરો જે તેમને સકારાત્મક દ્રષ્ટિકોણ બનાવવામાં મદદ કરશે.
👉 કેસ સ્ટડી અને હકારાત્મક પરિણામોની ચર્ચા કરો.
👉 જો પરિસ્થિતિ વાતચીતથી હાલ થઇ શકે એમે ના હોય તો પ્રોફેશનલ એજન્સીઓ, ડિબેટ ગ્રુપ્સ અને સલાહકારોની મદદ લો.
સામાજિક દબાણને કારણે પુરુષો ઘણી પીડા અને એકલતા અનુભવે છે. આપણે એક સમાજ તરીકે આ મુદ્દાને વધુ નિષ્ઠાપૂર્વક ઉકેલવાની જરૂર છે કારણ કે આજે જે સમસ્યા જેવું બિલકુલ નથી લાગતું તે આવતીકાલે દાવાનળ બની શકે છે. પુરૂષો ઊર્જાનું પાવર હાઉસ છે, તેથી તેમની ઉર્જા યોગ્ય રીતે ચેનલાઈઝ થાય તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
📌 પુરુષો પહેલાં, તેમની આસપાસના લોકોએ જાગૃતિ કેળવવી પડશે કે પુરુષો પણ ભાવનાત્મક પડકારોથી પીડાઈ શકે છે અને તેમને નિષ્પક્ષપણે સાંભળવાની જરૂર છે.
એક કુટુંબ કે સમાજ તરીકે આપણી આસપાસના પુરુષો ભાવનાત્મક રીતે ફિટ છે તેની ખાતરી કરવા માટે આપણે કયા પગલાં લઈ રહ્યા છીએ?