રશિયા અને યુક્રેન નો વિવાદ વર્ષો જૂનો છે અને સતત તેમાં તણખા ઝર્યા જ કરે છે . યુક્રેન દરેક ક્ષેત્રે રશિયા કરતા નબળું હોવા છતાં રશિયા એ તેની સામે યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકી ઘણા વર્ષો સુધી સીઝ ફાયર નો અમલ જાળવી રાખ્યો. રશિયા વિશ્વભર માં સૌથી શક્તિશાળી આર્મી ધરાવે છે અને આર્થિક રીતે પણ તે ખુબ સમૃદ્ધ અને સ્વતંત્ર રીતે પ્રબળ છે તેથી તેને ક્યારેય યુદ્ધ કરતા પેહલા અન્ય દેશોની સરખામણીએ ડરવાની જરૂર ઓછી જ હોય છે છતાં તેને વરસો સુધી યુક્રેન વિવાદ ને મન્ત્રણાઓ થી કે માત્ર ધાક ધમકીઓ થી જ ઉકેલવાનો પ્રયત્ન કર્યો તો હવે એવું શું થઇ ગયું કે રાતોરાત રશિયાના પ્રમુખે યુક્રેન પર આગ બારૂદ વરસાવવાનો ના માત્ર નિર્ણય લીધો પણ 24 ફેબ્રુઆરી ગુરુવાર સવારથી જ યુક્રેન પર ત્રણે બાજુથી હુમલો શરુ કરી દીધો. પુતિન હંમેશા થી મક્કમ અને માથાભારે નિર્ણયો લેવા માટે જાણીતા છે પણ યુદ્ધ ની સ્થિતિ ઉભું કરવા માટે એમની પાસે શું પ્રબળ કારણ હતું?
યુક્રેન રશિયા વિવાદ નું મૂળ ઇતિહાસ માં ખુબ ઊંડે દટાયેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુક્રેન માં જાગેલી ક્રાંતિ ના કારણે યુક્રેન સોવિયત સંઘ થી સ્વતંત્ર રાષ્ટ્ર ના પાયા નાખી ચૂક્યું હતું.1991 માં જ્યારે સોવિયત સંઘ વિખેરાઈ ગયો ત્યારથી આ બંને દેશો વચ્ચે સબંધો કડવા બની ગયા હતા. જોકે યુક્રેન ની ત્યારની વિદેશ નીતિ રશિયા, યુરોપિયન યુનિયન અને નાટો વગેરે જેવા બીજા પાવરફુલ સંગઠનો સાથે એકસરખા સબંધો રાખીને તાલમેલ જાળવવાની હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ખરો તણાવ પેદા થયો 2014 માં. જેને 2014 રિવોલ્યુશન ઓફ ડીગ્નીટી કહે છે. આ રિવોલ્યુશન નું કારણ હતું ત્યારના યુક્રેન ના પ્રમુખ વિકટર યાનુકોવિક દ્વારા યુક્રેન ના યુરોપિયન યુનિયન સાથે ના પોલિટિકલ અને મુક્ત વ્યાપાર સંધી પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો તે. વિકટર રશિયા સમર્થક નેતા તરીકે જાણીતા હતા તેથી યુક્રેન ની પ્રજા અને નેતાઓ જે યુરોપિયન યુનિયન ના સમર્થક હતા તેમણે વિકટર યાનુકોવિક ને રાષ્ટ્રવિરોધી સાબિત કરી,હિંસક વિરોધ નોંધાવીને પદભ્રષ્ટ કરી દીધા. બસ ત્યારથી રશિયા ના પેટ માં તેલ રેડાયું.ઉપરથી આ ક્રાંતિ પછી જે સરકાર બની તેને પોતાનું યુરોપિયન યુનિયન અને નાટો સાથે જોડાવા માટે નું વલણ સ્પષ્ટ કરી દીધું. નવી સરકારે નવી વિદેશ નીતિ માં જાહેર કર્યું કે તેઓ રશિયા અને અન્ય દેશો સાથે ના સુમેળ ટકાવી રાખવા માટેના વલણ ને અનુસરશે નહિ પરંતુ પશ્ચિમી દેશો તરફ મિત્રતા ના સબંધો ને જ પ્રાધાન્ય આપશે. બસ આ અભિગમ થી યુક્રેન અને રશિયા એકબીજાના દુશ્મન બની ગયા.
તો અત્યારે ચાલી રહેલા યુદ્ધ નું મૂળ સમયેલું છે નાટો માં. અહીં આપણે નાટો નો ઉલ્લેખ કર્યો અને અત્યારે સમાચારો માં પણ તમે નાટો નો વિશે સાંભળ્યું હશે. નાટો કઈ રીતે યુક્રેન અને રશિયા ના યુદ્ધ નું કારણ બન્યું એ જાણતા પેહલા તે શું છે એ જાણી લઈએ
શું છે નાટો? NATO- North Atlantic Treaty Organization
નાટો બીજા વિશ્વયુદ્ધ પછી ઉત્તર અમેરિકા અને યુરોપ ને તેનાથી અલગ કરતાં એટલેન્ટિક સમુદ્ર કિનારે આવેલા યુરોપ ના દેશો વચ્ચે થયેલી એક સંધી થી રચવામાં આવેલું સંગઠન છે. જેમાં મૂળ રૂપે 12 દેશો હતા જેમણે એક સાથે મળીને એક સંયુક્ત આર્મી સંગઠન રચ્યું હતું જેને નાટો કેહવાય છે. જે તેમાં સમાવિષ્ઠ દેશો ને યુદ્ધ કે વિગ્રહ ના સમયે સૈન્યબળ તેમજ પોલિટિકલ સમર્થન પૂરું પડવાનું રક્ષણ આપે છે. આ સંગઠન માં જોડાયેલા દેશો એકબીજા સાથે તેમજ અમેરિકા સાથે ખૂબ સુમેળ ધરાવતા થઈ ગયાં. આ સંગઠન યુરોપિયન દેશો માં સલામતી ની ભાવના પૂરી પાડવા માટે બનાવવમાં આવ્યું હતું જે સમય જતાં પાવર ગેમ માં પરિવર્તિત થઈ ગયું.
ઉલ્લેખનિય છે કે નાટો જે ફ્રાન્સ અને યુકે દ્વારા શરૂ થઈ પશ્ચિમ દેશોનાં સંગઠન તરીકે જાણીતા રાષ્ટ્ર કેનેડા, પોર્ટુગલ, ઈટલી, યુએસ,નોર્વે,ડેનમાર્ક, આઇસલેન્ડ દ્વારા 1949 માં રચવામાં આવ્યું હતું જેમાં આજે 30 દેશો જોડાઈ ચૂક્યા છે. આ દેશો પોતાની જીડીપી ના લગભગ 2 ટકા હિસ્સો સંયુક્ત આર્મી સંગઠન NATO માં દર વર્ષે ફાળો આપે છે જેનુ વાર્ષિક બજેટ 1 ટ્રીલિયન ડોલર છે.
હવે 2007 માં ઘણા યુરોપિયન દેશો નાટો માં જોડાયા બાદ 2014 માં જ્યારે યુક્રેન દ્વારા પોતાના નાટો માં જોડાવા માટે ના ઇરાદા સ્પષ્ટ કરી દેવામાં આવ્યા ત્યારે રશિયા ને પોતાના અસ્તિત્વ માટેનો ભય સતાવવા લાગ્યો. તેનો મુદ્દો એમ હતો કે જો યુક્રેન જે હંમેશા થી રશિયા સાથે વિવાદ માં રહ્યું છે જો તેં નાટો માં જોડાઈ જશે તો રશિયન સરહદે યુરોપના સાથી દેશો ની એક દિવાલ ઉભી થઈ જશે,જે રશિયાનો કાળા સમુદ્ર માં પ્રવેશ પણ અટકાવી દેશે. આ સંગઠન રશિયા ની પશ્ચિમી સરહદ માટે ખૂબ ધોખાદાયક નીવડી શકે, વળી દક્ષિણ કોરિયા, જાપાન તેમજ મોંગોલિયા યુએસ તરફી વલણ સ્પષ્ટ કરી ચૂક્યા હતાં. તેથી રશિયન સરકાર અસુરક્ષા અનુભવવા લાગી કે આ રીતે રશિયાની ફરતે તેના વિરોધી રાષ્ટ્રો નો એક જાળ ફેલાઈ જશે.
તેથી જ 2014 માં જ્યારે રશિયા સમર્થક પ્રમુખને બળવા થી બરખાસ્ત કરાયા ત્યારે જ રશિયાએ રશિયા સમર્થક પ્રદેશ ક્રીમિયા ને પોતાનું સમર્થન આપીને પોતાના હસ્તગત કરી લીધું તેમજ જે બે રાષ્ટ્રોને તાજેતર માં પ્રમુખ પુતિને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યા તે Donetsk People’s Republic અને Luhansk People’s Republic જે રશિયા સમર્થન માં યુક્રેન માં બળવા કરતા હતા તેમને સમર્થન આપી દીધું હતું. યુક્રેન દ્વારા 2017 માં આ બે રાષ્ટ્રોને રશિયા હસ્તક યુક્રેન ના દેશો એમ ઓળખાવ્યા હતા.
યુક્રેન ની નાટો સાથે જોડાવા ની હિલચાલ ના વિરોધ માં રશિયા સતત યુક્રેન સરહદે સૈન્ય નો ઢગલો ખડકી રહ્યું હતું.એક સમાધાન પ્રયાસ રૂપે રશિયાએ નાટો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે યુક્રેન ને નાટો ના મેમ્બર બનવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે પરંતુ આ માટે નાટો માં અડધા જ સભ્યો ની સમંતી હતી. તેથી તે શક્ય બન્યું નહિ.
તાજેતર માં યુક્રેન દ્વારા નાટો માં આર્મી કેમ્પ , ટ્રેનિંગ સેન્ટર વગેરે ને યુક્રેન માં સ્થાપવા માટે ના પ્રયાસો ચાલી રહ્યા હતા. રશિયા ની દૃષ્ટિએ આ બંને બાબત એક સમાન જ હતી. રશિયા ના દબાણ થી યુક્રેન નાટો નું સભ્ય બની શકતું ન હતું તો યુક્રેન નાટો ને જ યુક્રેનમાં ખાસ કરીને રશિયા તરફી સરહદી વિસ્તારો માં લાવવા મથી રહ્યું હોવાના ઇરાદા રશિયન સરકાર અને પ્રમુખ પુતિન સમજી ગયા હતા.
આખરે યુક્રેન ના સતત રશિયા માટે અસલામતી ઉભી કરવાના પ્રયાસો નો અંત લાવવા ના ઇરાદા થી રશિયા પ્રમુખ પુતિન 2021 અંતમાં અને 2022 ના શરુઆત થી જ યુક્રેન સરહદે આર્મી નો જમાવડો કરી રહ્યા હતા. અને આખરે બીજા વિશ્વયુદ્ધ પછી નું વિનાશક યુદ્ધ યુરોપ માં થઈ રહ્યું છે જેમાં 13000 થી વધુ લોકો માર્યા ગયા છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા વિવાદો થઈ ચૂક્યા છે. બંને દેશો એક બીજા પર ઘણા પ્રતિબંધ મૂકી ચૂક્યા છે ઘણા આરોપ પ્રત્યારોપ થતા રહ્યા છે પણ પરિસ્થિતિ એટલી વણસી ના હતી. આજે યુદ્ધ ના કારણે ઘણા સિવિલ લોકો પણ જીવ ગુમાવી રહ્યા છે. હજી આ યુદ્ધ બે દેશો વચ્ચે જ છે કારણ કે અમેરિકા તેમજ વિવાદ ના મધપૂડા નું કેન્દ્ર નાટો દ્વારા પણ યુક્રેન ને આર્મી બળ પૂરું પડવા થી ઇનકાર કરી દેવાયો છે! કારણકે તે હજી નાટો નું સભ્ય નથી!! છે ને વિરોધાભાસ!! જોકે અમરિકા કે કોઈ પણ યુરોપિય દેશ રશિયા ના વિરોધ માં યુક્રેન તરફથી લડશે તો ત્રીજા વિશ્વયુદ્ધ ના પાયા નાખશે જે આખા વિશ્વ ને નુકસાન કરશે. બે આખલાની લડાઈ માં ઝાડ તૂટશે!